વૃક્ષારોપણ-વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપો:નાણામંત્રી કનુભાઈ દેસાઈ
વલસાડમાં જિલ્લાના વાપીની હરિયા એલ.જી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત વિકાસશીલ દેશ છે. પહેલાના સમયમાં દેશના વિકાસની ગતિ ઘણી ધીમી હતી. જ્યારે એક વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ, રેલવે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બનતા હોય છે ત્યારે વૃક્ષોનું છેદન પણ થતું હોય છે. જેને અનુલક્ષીને ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતી ઉદભવે છે. તેથી ઋતુઓનું સંતુલન જળવાતું નથી. કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સરહદ સુધી પહોંચ્યું છે. આવા પરિવર્તનને અનુલક્ષીને આપણા ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રિય પર્યાવરણ મંત્રી સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સન 1950માં સૌપ્રથમવાર વન મહોત્સવ યોજીને એક દુરંદેશિતાનો દાખલો આપ્યો હતો.આજે આપણે 75મા વન મહોત્સવની ઊજવણી કરી રહ્યા છે. વૃક્ષો અને પાણીની જરૂરિયાત ઘણી છે. વૃક્ષારોપણની સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગને પણ પ્રોત્સાહન અને પ્રાધન્ય આપવું જોઈએ. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પગલાઓ લીધા છે.વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું જતન પણ સારી રીતે કરવું જોઈએ.
કોરોના કાળમાં ઓક્સિજનની અછત થઈ એવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા કારણ કે વૃક્ષો વધુ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. સરકારે પણ વૃક્ષારોપણને પ્રાધન્ય આપી નવી નીતિઓ બનાવી છે.એગ્રો ફોરેસ્ટ્રીના લાભો મળે એવા પ્રયત્નો પણ કર્યા છે. વાપી નોટિફાઈડ એરિયા અને આસપાસના વિસ્તારોમાં વાપી ગ્રીન સોસાયટી ગાર્ડનિંગ અને વૃક્ષારોપણની સારી કામગીરી કરી રહી છે. રોટરી ક્લબ દ્વારા હાઈવેની બંને બાજુ વૃક્ષો રોપવાની શરૂઆત થઈ છે તે ભવિષ્યમાં પણ આ કાર્ય કરતા રહે એવી આશા છે.સરકાર સાથે સહયોગથી આજે વાપીમાં બીજી અનેક જીઆઈડીસીઓ કરતાં વધુ વૃક્ષો છે. વન વિભાગ પણ વન મહોત્સવ સાથે રોપા વિતરણની સારી કામગીરી કરી રહ્યું છે તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.વલસાડ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. રામ રતન નાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય –પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે, વર્ષ 2024-25 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યકિતઓનું પણ સન્માન કરાયું હતું. વન વિભાગ દ્વારા મંત્રીને બોનસાઈ છોડ આપી સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનોજ પટેલ, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, મદદનીશ વન સંરક્ષક જીનલ ભટ્ટ, જીપીસીબીના રિજીયોનલ મેનેજર એ. જી. પટેલ, સીટી મામલતદાર કલ્પના પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, માજી રોટરી પ્રમુખ કલ્યાણ બેનરજી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ