ઉમરગામ તાલુકાના ડહેલીના એકતા નગરમાં આવેલા એકતા પાર્ક B-1ના ફ્લેટ ન. 205માં રહેતા સજ્જન સપૂર્ણાંનંદ ઝા 19 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટા ભાઇના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા. જે બાદ 19મી ઓગષ્ટની રાત્રી દરમ્યાન કેટલાક તસ્કર એકતા પાર્કની B-1 એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો. રાત્રી દરમ્યાન બંધ ફ્લેટ નં. 202 અને 205 ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/IMG_20240823_111930-1024x573.jpg)
દરવાજાનો નકુચો તોડી ફ્લેટના બેડરૂમમાં મુકેલા કબાટમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશી મહિલાએ ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું. જે બાદ સોશ્યલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલ કરી બતાવ્યું હતું. જેમાં બંને ફ્લેટના નકુચા તૂટેલા હતા અને બેડરૂમમાં મુકેલો સામાન વિખાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. સુરતથી સજ્જન ઝા તાત્કાલિક ભિલાડ આવી પહોંચ્યા હતા. જ્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.67 લાખના મુદ્દામાલની તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને કરતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા 4 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતાં. ભિલાડ પોલીસે CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ