સંઘપ્રદેશ દમણનાં નાની દમણ ખારીવાડ મુખ્ય રસ્તા પાસે આવેલ જય અંબે કરિયાણાની દુકાનમાં શુક્રવારની મોડી રાત્રે અજાણ્યા 2 ચોરટાઓ દુકાનના શટરનું તાળુ તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. અને દુકાનના ગલ્લામાં મૂકેલા પરચુરણ પૈસા તથા માલી સમાજના એક કાર્યક્રમ હેતુ સમાજના લોકો પાસેથી ઉઘરાવેલા આશરે રૂપિયા 3.35 લાખ રોકડ જે ગલ્લાના નીચેના સેલ્ફમાં મૂકેલા હતા એ રકમની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા.
ચોર જે સમયે ચોરી કરી રહ્યા હતા એ તમામ હરકત દુકાનમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં કૈદ થઈ જવા પામી હતી. બનાવની જાણ સવારે જ્યારે દુકાનના માલિક પારસમલ મસરાજી માલી દુકાન પર આવ્યા ત્યારે દુકાનના શટરના તાળા તૂટેલા જાણતા દુકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે દુકાનદારે આ અંગે નાની દમણ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી દુકાન માલિકનું જરૂરી નિવેદન લઈ આ મામલે પોલીસ ચોપડે અજાણ્યા ચોર ઈશમો સામે ગુનો દાખલ કરી ચોરીના સી.સી. ટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ