દમણ બસ ડેપોની નજીક બનાવવામાં આવેલો ફાઉન્ટન સાર સંભાળના અભાવે ગંદકીનું ઘર બન્યો છે, એક સમયે દમણમાં પ્રવેશતા સહેલાણીઓને આકર્ષવા માટે શહેરની વચ્ચોવચ્ચ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો આ ફાઉન્ટન હવે મચ્છરોના ઉદ્ભવનું કેન્દ્ર બન્યો છે, યોગ્ય મેન્ટેનન્સના અભાવે આમ પણ આ ફાઉન્ટન ઘણા મહિનાઓથી બંધ હાલતમાં હતો, એમાં ચોમાસામાં વરસાદી પાણી ફાઉન્ટનમાં ભરાયા બાદ પણ યોગ્ય રીતે સફાઈ હાથ ધરવામાં ન આવતા હવે આ ફાઉન્ટન મચ્છરોથી ખદબદી રહ્યો છે.
દમણની સુંદરતામાં વધારો કરવા બનાવવામાં આવેલો ફાઉન્ટન હવે દમણની કુરુપતાના દર્શન કરાવી રહ્યો છે, તેના મેન્ટેનન્સ બાબતે પાલિકાના સદંતર ઉદાસીન વલણને કારણે લાખો રૂપિયા પાણીમાં ગયા હોય એવી લાગણી દમણ વાસીઓમાં વર્તાઈ રહી છે, ત્યારે મચ્છરોનું ઘર બનેલો આ ફાઉન્ટન આવનારા સમયમાં પાણીજન્ય બીમારીઓનું કારણ બને તે પહેલા તેની યોગ્ય સફાઈ હાથ ધરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેમજ સમયાંતરે તેનું મેન્ટેનન્સ પણ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ