બુરખા પ્રેમીની પ્રેમ લીલાને સ્થાનિકોએ ચોર સમજી મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો
સંઘપ્રદેશ દમણમાં યુવકને બુરખો પહેરવો ભારે પડી ગયો હતો. પોતાની પ્રેમિકાને મળવા માટે યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. પરંતુ, સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનુ સમજી સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. પોલીસે પૂછપરછ કરી તો યુવક આ વિસ્તારમાં રહેતી તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ દમણના એક વિસ્તારમાં રહેતી પ્રેમિકાના ઘણા સમયથી યુવક મળ્યો ન હતો. જેથી પ્રેમિકાને મળવા જવા યુવકે બુરખાનો ઉપયોગ કર્યો હતો. યુવક બુરખામાં પ્રેમિકાના ફળિયામાં જઈ પ્રેમિકાને જોઈ સમય મળે તો મળી યુવક આવી જતો હતો. ગતરાત્રીએ યુવક બુરખો પહેરી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. જે દરમ્યાન સ્થાનિક લોકોએ બુરખાની અંદર મહિલાની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ હોવાનું અને તે ઈસમ બાળકોને ચોરી કરવા આવ્યો હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે સ્થાનિક લોકોએ બુરખામાં આવેલા યુવકને ઘેરી ચેક કરતા બુરખામાં અજાણ્યો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. સ્થાનિક લોકોએ યુવકને મેથીપાક ચખાડી દમણ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. દમણ પોલીસની ટીમે દમણ પોલીસ મથકે લઈ જઈને યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા યુવક યુવતીને મળવા બુકાની પહેરી જતો હોવાનું જણાવ્યું હતું. દમણ પોલીસે ક્રોસ તપાસ કરતા યુવક સાચું બોલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે દમણ પોલીસે યુવકના સ્થાનિક હોવાના પુરાવા મેળવી 151 હેઠળ નોંધ કરી યુવકને મુક્ત કરવામાં આવ્યો હતો
વાપીથી આલમ શેખનો રીપોર્ટ