વાપીના વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. જેમાં અનેક સ્થળોએ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામે 37 વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવના ચોથા દિવસે બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના 5000 જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
કોચરવા ખાતે ધાર્મિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ હરિઓમ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન 5 દિવસના ગણેશજીની સ્થાપના કરી છે. કોચરવાના વડીયાવાડ, વાપી GIDC થર્ડ ફેઈઝ સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં સ્થાપિત આ ગણેશ મહોત્સવમાં મંડળના ધીરુભાઈ પટેલ તેમનો પરિવાર અને મંડળના સભ્યો, દાતાઓ દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવના 4થા દિવસે આયોજિત આ મહાપ્રસાદમાં બપોરે અંદાજીત 2000 જેટલા અને સાંજે અંદાજિત 3000 જેટલા આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.ધાર્મિક સ્વભાવના ધીરુભાઈ પટેલ અને તેમની ટીમના સભ્યો હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લા 37 વર્ષથી ઉજવે છે. તો, એ ઉપરાંત જલારામ જયંતિ, મહાશિવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરી મહાપ્રસાદનું વિતરણ કરે છે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 5 દિવસ સુધી તેનું પૂજન અર્ચન, મહાઆરતીના આયોજન કરવામાં આવે છે. 5માં દિવસે ભક્તિભાવ પૂર્વક પ્રતિમાનું વિસર્જન કરી શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્ત પર વરસતી રહે તેવી પ્રાર્થના કરે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ