કચ્છ જીલ્લા અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240911-WA0017-1024x682.jpg)
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ના પડે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ આરોગ્ય મંત્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું. પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જેવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો. સમયસર સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબત ઉપર ભાર મૂકીને પ્રભારીમંત્રીએ આરોગ્ય ટીમને સહયોગ આપવા અપીલ કરી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240911-WA0019-1024x682.jpg)
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગામના યુવાનોને આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈપણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, પબ્લિક હેલ્થ વિભાગ ગાંધીનગરના એડિશનલ ડિરેક્ટર નિલમ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, બી.જે. મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના પ્રો.ડૉ. કમલેશ ઉપાધ્યાય, તાલીમી સનદી અધિકારી સુસ્મિતા, પ્રાંત અધિકારી સૂરજ સુથાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ કચ્છથી રોહિત પઢીયારનો રીપોર્ટ