સંઘપ્રદેશ દમણના રીંગણવાડા જંકશન પાસે એક ઊભેલી ટ્રકમાં એક બાઈક સવાર 2 યુવાનો ધડાકાભેર અથડાતા બન્ને ને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની વિગત પ્રમાણે ગુરુવારના રોજ સાંજે 5 પહેલા ડાભેલ ની રમણભાઈની ચાલમાં રહેતો વિકાસ મહતો અને તેનો મિત્ર સુભાષ કે.ટી.એમ. બાઈક નંબર MH-48-AV-0302 પર સવાર થઈ પૂરપાટ ઝડપે ડાભેલથી દમણ સીટી વિસ્તાર તરફ આવી રહ્યા હતા. જ્યાં રીંગણવાડા જંકશન પાસે એક MH-04-GF-4627 નંબરની ટ્રક ઉભી હોય એમાં બાઈક સવાર યુવાનો પાછળથી આગળના ટાયર તરફ ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં વિકાસ મહતો ને માથામાં અને શરીરના ભાગે ગંભીર માર વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ જવા પામ્યો હતો. જ્યારે સુભાષને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ ઘટનામાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો અને બાઈકનું આગળનું ટાયર છૂટું પડી રસ્તા પર પડેલું જોવા મળ્યું હતું. બનાવને પગલે તુરંત રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા. અને તુરંત એમ્બ્યુલન્સ અને અકસ્માત અંગે દમણ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણકારી મળતા જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ બનાવ સ્થળે આવી ગંભીર રીતે ઇજા પામેલ બાઈક સવાર યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે મોટી દમણ સી.એચ.સી. ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વિકાસ મહતો ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે બાઈક સવાર યુવાનોએ દારૂ બીયરનો નશો કર્યો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી દમણના કલરીયા, રીંગણવાડા, કોલેજ રોડ, દુનેઠા તથા અન્ય વિસ્તારમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કંપનીમાં આવતા મોટા માલવાહક ટ્રક અને અન્ય વાહનો ને રસ્તાની બાજુએ અવૈદ્ય રીતે પાર્ક કરવામાં આવી રહ્યા છે. જેના કારણે દિવસે અને ખાસ કરીને રાત્રી દરમિયાન અનેક નાના મોટા અકસ્માત સર્જાવા પામી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસની સાથે આર.ટી.ઓ. વિભાગ રસ્તા પર અવૈદ્ય રીતે પાર્ક કરેલા વાહનના માલિક અને ડ્રાઈવર સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ