ગોધરા:રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળોમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત બેટી બચાવો,બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.
આ અંતર્ગત જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ અને હાઇજીન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પિટલ ખાતે જન્મેલ નવજાત બાળકીઓના માતાઓના આરોગ્ય વિશે વ્યક્તિગત મળીને ખબર અંતર પૂછ્યા હતા. તેમણે માતાઓને કીટ આપીને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ભરવા તથા સરકારની યોજનાઓ વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં ૧૯ નવજાત બાળકીઓને દીકરી વધામણા કીટ તથા ૫૪ માતાઓને હાઈજીન કીટનું વિતરણ કરાયું હતું. આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ, સિવિલ સર્જન મોનાબેન પંડ્યા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કિરણબેન તરાળ, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી સહિત સિવિલ હોસ્પિટલ અને DHEW તથા OSCનો સ્ટાફ હાજર રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ