ટુકવાડામાં બનેલી લકઝરીયસ હાઉસિંગ સોસાયટીના ગંદા પાણીએ ખેડૂતોને લાખોનું નુકસાન

વાપી નજીક આવેલ ટુકવાડા ગામે બનેલ Green Orchid સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતું હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. જે મામલે ખેડૂતે સોસાયટીના રહીશોને, ટુકવાડા ગ્રામપંચાયતને, પ્રાંત અધિકારી, કલેકટર સહિત તમામને રજુઆત કરી છે. પરંતુ આ મામલે સોસાયટી ના રહીશો અને ગ્રામ પંચાયત એકબીજા પર ખો આપી રહ્યા છે.ટુકવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં 5 એકરની આંબાવાડી ધરાવતા મનોજ નંદાણીયા નામના ખેડૂત માટે નજીકમાં બનેલી ગ્રીન ઓર્ચિડ સોસાયટી આફત બની રહી છે. આ સોસાયટીમાં 50થી વધુ લઝરીયસ બંગલા બનાવવામાં આવ્યા છે. જેના રહીશો દ્વારા સોસાયટીના STP નું પાણી અને ક્યારેક સીધું જ છોડી દેવાતું ગંદુ પાણી સોસાયટી બહાર રસ્તા પર કાઢવામાં આવે છે. આ પાણી મનોજ નંદાણીયાની આંબા વાડીમાં જતું હોય આંબાવાડી ખરાબ થઈ રહી છે.

આ અંગે મનોજ નંદાણીયાએ જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર ગટર લાઇન નથી. એટલે કુદરતી વહેણમાં આ પાણી નો ભરાવો થાય છે. જે રસ્તા પરથી પસાર થતા ગામલોકોના આરોગ્યને જોખમાવે છે. આ પાણીના નિકાલ માટે તેમની વાડીની દીવાલમાં બાકોરું પાડી દેતા પાણી તેની વાડીમાં આવે છે. અને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યામાંથી છુટકારો અપાવવા ટુકવાડા પંચાયત, પ્રાંત અધિકારી, કલેકટર સહિત તમામ કચેરીમાં લેખિત રજુઆત કરી છે. પરંતુ તેનું નિરાકરણ આવ્યું નથી. પંચાયત અને સોસાયટી એકબીજા પર ખો આપી છટકી રહ્યાં છે. જેમાં નુકસાન થઈ રહ્યું છે.આ અંગે ટુકવાડા પંચાયતના સરપંચ સાથે અને સોસાયટીના રહીશો સાથે ગુરુવારે એક મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી.મિટિંગ બાબતે ટુકવાડા ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે સમસ્યા નિર્માણ થઈ છે તે અંગે પંચાયત પણ જાગૃત છે. આવા પાણીથી રોગચાળો ફેલાઈ શકે છે. ગામમાં ગટર માટેની જે ગ્રાન્ટ મળી છે તે ગ્રાન્ટમાંથી પ્રથમ ફેઝમાં બાવરી મોરા ફળિયામાં ગટર બની છે. બીજી કોઈ ગ્રાન્ટ પણ હજુ સુધી મળી નથી. અહીંની જે સમસ્યા છે તે અંગે જો સોસાયટીના રહીશો પણ તેમાં સહયોગ આપે તો જ તેનું વહેલી તકે નિરાકરણ લાવી શકાય. સામાન્ય રીતે તો સોસાયટીના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની તમામ જવાબદારી બિલ્ડરની અથવા ત્યાં રહેતા સોસાયટીના રહેવાસીઓની હોય છે.સોસાયટીના STPનું પાણી ગટર ના અભાવે જાહેર માર્ગ મારફતે ખેડૂતની આંબા વાડીમાં છોડતા ગ્રીન ઓર્ચિડ સોસાયટીના રહીશો તરફથી સોસાયટીના પ્રમુખ દોલત પટેલે જણાવ્યું હતું કે, બિલ્ડર્સે અહીં STP પ્લાન્ટ શરૂ કરીને આપ્યો નહોતો. જે અંગે સોસાયટીના રહીશોએ સ્વખર્ચે પ્લાન્ટ શરૂ કર્યો છે. જેનું પાણી સોસાયટી બહાર નાળામાં છોડવામાં આવે છે. આ પાણીથી ખેડૂતને જે નુકસાન થઈ રહ્યું છે. તે બાબતે આગામી દિવસોમાં તકેદારી રાખવામાં આવશે. નાળુ અધૂરું છે. એટલે આ સમસ્યા ઉદભવી છે. જેના નિરાકરણ માટે બેઠક યોજી પ્રયત્નો ચાલુ છે.ઉલ્લેખનીય છે કે, વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ મોટેપાયે લકઝરીયસ બંગલાઓ બનાવવાનો ધંધો જોરમાં ચાલી રહ્યો છે. જો કે, આવા બિલ્ડરો 50 લાખથી 2 કરોડ સુધીના બંગલાઓ બનાવી તેનું વેંચાણ કરે છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે તેમાં શૂન્ય હોય છે. આવી સોસાયટીઓના ગંદા પાણીથી માંડીને તેમના વાહનોની અવરજવર આસપાસના રહીશો માટે આફત બની રહી છે. તો, કેટલાક માટે આ બંગલાઓ માત્ર રોકાણ જ હોય તેનાથી કોઈ જ રેવન્યુ પંચાયત ને નહિ મળતા પંચાયત ને પણ તે ખોટ પડે છે. ત્યારે, ટુકવાડા સહિત બિલ્ડર્સના ભરડામાં આવેલા અન્ય ગામો જેવા કે, બલિઠા, સલવાવ, છરવાડા, ચણોદના રહીશોએ પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અને શાંતિની શોધમાં કરોડો ખર્ચનારાઓ પણ તકેદારી દાખવે નહિ તો પસ્તાવાનો વખત તેમનો પણ આવી શકે છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *