સંઘપ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના વર્ષ 1982 માં થવા પામી હતી. જે બાદ દમણમાં વિવિધ એકમોના ઉધોગો સ્થાપિત થવા પામ્યા છે. અને હાલમાં દમણમાં 2200થી વધુ નાના મોટા ઉધોગો કાર્યરત છે. દર વર્ષે દમણના ઉધોગો દ્વારા હજારો કરોડો રૂપિયા રેવન્યુ પણ સરકારને આપી રહ્યા છે. ત્યારે નાનકડા પ્રદેશમાં સ્થાપિત થયેલા ઉધોગોની રૂપરેખા, વિવિધ વિસ્તારમાં આવેલા ઉધોગોની જરૂરી જાણકારી, સંપર્ક નંબર, સભ્યપદ, સહિતની એસો. સાથે જોડાયેલા પદાધિકારીઓની જાણકારી આંગળીના ટેરવે અન્ય ઉદ્યોગકારો અને લોકોને સરળતાથી મળી રહે એવા આશય સાથે ડી.આઈ.એ. દ્વારા એક વેબ સાઈટનું નિર્માણ કર્યું હતું. જેનો ઉપયોગ ઉધોગો સાથે સંકળાયેલા લોકો તેમની જરૂરિયાત મુજબ કરી જરૂરી જાણકારી મેળવી લેતા હતા. પરંતુ હાલમાં જ આ વેબસાઇટ કોઈ હેકર્સ દ્વારા હેક કરી દેવામાં આવી છે.
ડી.આઈ.એ.ની વેબ સાઈટ www.diadaman.in ખોલતાની સાથે જ હેકર્સનો મેસેજ હેકડ બાય ડી.એક્સપ્લોઈટ મુસ્લિમ હેકર મલેશિયા સોલ્જર તથા ધાર્મિક નામ આપવા અંગેનો મેસેજ જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે વેબ સાઈટ હેક થઈ જવાના કારણે દમણના વિવિધ ઉદ્યોગોની જરૂરી જાણકારી તથા મહત્વના ડેટા જોખમમાં મુકાઇ જવા પામ્યા છે. જે પ્રમાણે વેબસાઇટ હેક થઈ છે, એ જોતા ડી.આઈ.એ. દ્વારા વેબસાઇટના જરૂરી મેન્ટેનન્સ કાર્યમાં બેદરકારી દાખવી હોઈ એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ DIAની વેબસાઈટ છેલ્લા એક સપ્તાહથી હેક થઈ છે, જેની DIAના કોઈ પણ મેમ્બરને ખબર પણ નથી, આ મામલે જ્યારે ડી.આઈ.એ. ના પ્રમુખ સત્યેન્દ્રકુમાર સિંઘ નો ટેલીફોનીક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે તેઓ બહાર હોઈ અને તેમને વેબસાઈટ હેક થઈ હોવા અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ ડી.આઈ.એ. ના ઉપપ્રમુખ સની પારેખ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, વેબસાઇટ હેક થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ તેની જરૂરી તપાસ કરવામાં આવી છે. અને આ અંગે તાત્કાલિક ડી.આઈ.એ. સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને ઈમેલ મારફતે જાણકારી આપી દેવામાં આવી છે. સાથે આ મામલે એક પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ