મોટી દમણના જમ્પોર બીચ ખાતે બનાવવામાં આવેલું પક્ષીઘર હાલ સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ગત 20મી સપ્ટેમ્બરના રોજ જમ્પોર બીચ પાસે આશરે 2.40 હેકટર માં 12 કરોડ થી વધુના ખર્ચે તૈયાર થયેલી એવિઅરીનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ બે ઓક્ટોબરે ગાંધી જયંતીના દિને તેને જાહેર જનતા માટે સત્તાવાર રીતે ખોલવામાં આવતા પહેલાં દિવસથી અત્યાર સુધીમાં હજારો સહેલાણીઓનો ધસારો જાતજાતના અને ભાતભાતના પક્ષીઓને જોવા ઉમટી પડ્યો છે, દરેક રાજ્યો અને શહેરોમાંથી બસોમાં ભરાઈને આવતા વિદ્યાર્થીઓ અને સહેલાણીઓ વિદેશી પક્ષીઓને નિહાળી આશ્ચર્યચકિત બન્યા છે.
દમણના રમણીય દરિયા કિનારે 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા પક્ષીઘરમાં રેડ એન્ડ ગ્રીન મકાઉ, ઓરેન્જ વિંગ્ડ એમેઝોન પેરોટ, ગોલ્ડન પીજન્ટ, વાઈટ કોકટૂ , સ્કારલેટ મકાઉ, ફિસ્કર્સ લવબર્ડ , ગોલ્ડન કેપ્ડ પેરાકીટ, ગ્રીન ચિકડ પેરાકીટ સહિતના દુનિયાના 5 ખંડોના દેશોના 600થી વધુ વિદેશી દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં અહીં 2000થી વધુ વિદેશી પક્ષીઓ રાખવામાં આશા સેવવામાં આવી રહી છે, પ્રસાશન દ્વારા પક્ષીઘરના દર્શન માટે સવારે 9:30 થી બપોરે 1.30 અને 3:00 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગ લોકો માટે મફત એન્ટ્રી તેમજ 5 થી 12 વર્ષના બાળકો માટે 50 રૂપિયા, 12 વર્ષથી ઉપરના કિશોરો માટે 100 રૂપિયા અને વિદેશી સહેલાણીઓ માટે 500 રૂપિયા એન્ટ્રી ફીસ રાખવામાં આવી છે, દમણમાં પધારતા પ્રવાસીઓનું નવું નજરાણું બનેલા આ પક્ષીઘરના આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્ટ ટેસ્ટિનેશન ઉભું થયું છે. પ્રશાસને શરૂ કરેલા દીર્ઘદૃષ્ટિ ભરેલા પક્ષીઘરના નિર્માણથી ફક્ત માત્ર પ્રવાસનને જ વેગ નથી મળી રહ્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવો આશા સેવાઈ રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ