સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણના પણ વિજયા દશમી પર્વ નિમિત્તે પોલીસ દળ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાની દમણ એરપોર્ટ રોડ પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનમાં મુખ્ય મહેમાન પદે પ્રસાશકના સલાહકાર આઇ.એ.એસ. અમિત સિંઘલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજે પ્રશાસકના સલાહકાર, કોસ્ટગાર્ડના ડી.આઇ.જી. અને દમણ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પોલીસ વિભાગના ઉપયોગમાં આવતા વિવિધ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગમાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ ખાસ દિવસ અનુરૂપ પોલીસ હેડ ક્વાર્ટર ના પટાંગણમાં વિવિધ હથિયારોનું એક જાહેર પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં દમણ પોલીસ અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતાં વિવિધ હથિયારોને નિહાળવાનો અને હથિયાર અંગેની જાણકારી મેળવવાનો લાભ વિવિધ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ લીધો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ