કેટલીક વખત જાણકારી અને જ્ઞાનના અભાવે છેવાડાનો માનવી સરકારી યોજનાનો લાભ લઈ શકતો નથી. અંતરિયાળ ગામમાં રહેતા લોકોની આ મુશ્કેલીનું નિરાકરણ શોધી તેમના સુધી સરકારી યોજનાનો લાભ પહોંચી શકે તે માટે દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.
21 જાન્યુઆરી મંગળવારે દિપક ફાઉન્ડેશન દ્વારા હોટલ રંગ ઈન ખાતે સંગાથ પ્રોજેક્ટની સિદ્વિઓ રજૂ કરવાના ઉદેશ સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ વર્કશોપમાં દિપક ફાઉન્ડેશનનાં રિસર્ચ અને ડેવલ્પમેન્ટ વિભાગનાં વડા સ્મિતા મણિયાણે સંસ્થા વિશે માહિતી આપી હતી. 1982થી સ્થપાયેલ આ સંસ્થાએ અત્યાર સુધીમાં કેવા રચનાત્મક, સામાજીક, શૈક્ષણિક, કૃષિ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં કરેલા કામોનો ચિતાર આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, ભારતમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા તેમજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલૂકાના 36 અને ભરૂચ તાલૂકાનાં 6 ગામોમાં દિપક ફિનોલિક્સ કંપનીના નાણાકીય સહયોગથી સંગાથ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.
2020થી દિપક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા સંગાથ પ્રોજેકેટ અંતર્ગત અત્યાર સુધીમાં 9700થી વધૂ પરિવારોનાં 29500થી લોકોને 65 હજાર જેટલી સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ છે. જેમાંથી 95% જેટલી અરજીઓ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના જુદા – જુદા વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે જેમાં 1200 કરોડથી વધુ રકમનું કન્વર્જન્સ થયુ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મુક્યો હતો. તેમણે દિપક ફાઉન્ડેશનના સંગાથ પ્રોજેક્ટની પ્રંશસા કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી એમ એન માનાની, દિપક ફાઉન્ડેશનનાં ડેપ્યુટી ડાયરેક્ટર ડો આકાશકુમાર લાલે, દિપક ગ્રુપ ઓફ કંપનીઝના નોડલ ઓફિસર નિર્મલસિંહ યાદવ, જિલ્લા આરોગ્ય અધિકારી ધુલેરા સહિતનાં અધિકારીઓ, ગ્રામસેવકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં