આવતીકાલ સુધી દુકાનો ખાલી ન કરાય તો મનપા દ્વારા કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ!
નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દુકાનોના ભાડુઆતોને તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દેવાઈ છે. ભાડુઆતો આ સૂચનાનું પાલન ન કરે તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
નડિયાદમાં વર્ષો જૂની નગરપાલિકાની જ દુકાનો તોડવા માટે અને તંત્ર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે હવે ટાઉન મથક સામેની 13 દુકાનો મામલે પ્રાંત અધિકારીની કચેરીમાંથી લીલી ઝંડી મળી જતા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે મનપાના ભાડા વિભાગના કર્મચારીઓ દ્વારા આ 13 દુકાનોના ભાડવા તો પાસે પહોંચી તાત્કાલિક ધોરણે આ દુકાનો ખાલી કરી આપવા માટે તાકીદ કરી દેવાઈ છે. મોડી સાંજે આ સૂચના આપ્યા બાદ એક દિવસમાં દુકાનો ખાલી કરી દેવા માટે જણાવી દેવાયું છે. જે દુકાનો ખાલી કર્યા બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા દુકાનો તોડી નાખવામાં આવશે. અગાઉ નગરપાલિકા તંત્ર દ્વારા જે તે સમયે ભાડુઆતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી દુકાનો ખાલી કરી આપવા માટે નોટીસ આપી હતી. તે બાદ સમગ્ર મામલો પ્રાંત કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં સુનાવણીના અંતે નગરપાલિકાની દલીલો ગ્રાહ્ય રાખી દુકાનો ખાલી કરવા માટે આદેશ કરાયો છે. ત્યારે હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે અને કામગીરીને પણ વેગ મળવાનો છે ત્યારે હવે આ 13 દુકાનો ખાલી કરવા માટે સૂચના આપી દેવાતા શહેરભરના દુકાનદારોમાં ખળભળાટ મચ્યો છે.
આવતીકાલથી રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ થશે
નડિયાદ મહાનગરપાલિકામાં કમિશનરના આદેશ બાદ દબાણ વિભાગના અધિકારી સક્રિય થયા છે. આજે દબાણ વિભાગના અધિકારી રાકેશ શર્મા દ્વારા કોલેજ રોડ પર લારી અને ગલ્લાવાળા સહિત દબાણકારોને તાકીદ કરી દેવાઈ છે અને લારી ગલ્લા ખસેડવા માટે સૂચના આપી દેવાઈ છે. બુધવારના રોજથી દબાણ વિભાગ દ્વારા પ્રથમ શહેરના તમામ જાહેર રસ્તાઓ પરથી લારી ગલ્લા અને પાથાણાવાળાઓને દૂર કરવામાં આવનાર છે. જો આ તમામ લારી ગલ્લા ધારકો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં કરે તો મનપાની ટીમ દ્વારા તેમનો મુદ્દામાલ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે.