દમણ: દુણેઠા કોસ્ટલ હાઇવે પર આવેલી ક્વોરી એક સમયે સુંદર અને ખુલ્લી જગ્યા હતી, પરંતુ હવે તે ગંદકીનું હબ બની ગઈ છે. અહીં ગમે તે સમયે વાહનોમાં કચરો અને ઉદ્યોગોની ગંદી સ્લજ ઠાલવવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં પહેલેથી જ ડમ્પિંગ સાઈટ છે, પણ હવે લેભાગુ તત્વો રોજ અલગ-અલગ કંપનીઓની ગંદકી ખસેડી અહીં નાખી જતા રહે છે.
જમીન અને જળ પ્રદુષણ વધવાનો ખતરો
સ્થાનિકો કહે છે કે અહીં માત્ર સાદો કચરો જ નહિ, પરંતુ ઉદ્યોગોમાંથી નીકળતો હાનિકારક કચરો અને કેમિકલપુક્ત સ્લજ પણ ઠાલવવામાં આવે છે. જેના કારણે ન માત્ર જમીન પ્રદૂષિત થઈ રહી છે, પણ નજીકના જળસ્તરો પણ દૂષિત થવાના ખતરા હેઠળ છે.
ક્યારેક આ સ્થળ એટલું સુંદર હતું કે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી યુવાનો અહીં પ્રિવેડિંગ શૂટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા આવતાં. પરંતુ હવે અહીં માત્ર કુતરા અને ગાયો જ રખડતા જોવા મળે છે. ગંદો કચરો આરોગતી ગાયોને કારણે ગૌરક્ષકોમાં પણ ચિંતા વધી છે.
છેલ્લા કેટલાય સમયથી આ ગંદકી નિયમિત ઠાલવાઈ રહી છે, પણ આજ દિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવા તત્વોને પકડીને, જે કંપનીઓનો કચરો અહીં નાખવામાં આવે છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તાત્કાલિક પગલાં નહિ લેવામાં આવે તો આવનારા સમયમાં આ વિસ્તાર એક મોટું પ્રદૂષણ કેન્દ્ર બની શકે છે.