
વિસતૃત તપાસ છતાં 15 મહિનાથી લાલ પાણીનો પ્રશ્ન યથાવત, અંતે માનવ અધિકાર પંચ સુધી ફરિયાદ
ઉમરગામ તાલુકાના કરજગામ વિસ્તારમાં છેલ્લા 15 મહિનાથી બોરિંગના જળ સ્ત્રોતમાંથી લાલ કલરયુક્ત પ્રદૂષિત પાણી નીકળવાનું યથાવત છે. આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સમાધાન ન આવતા અંતે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – દિલ્હીમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

આ કેસમાં વલસાડ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મામલતદાર કચેરીને કાર્યવાહી કરવા સુચના અપાઈ. જેના પગલે મામલતદાર કચેરીના સર્કલ અધિકારી અને કરજગામના તલાટી કમ મંત્રી અચાનક જ સ્થળ પર પહોંચી ગયા હતા અને બોરિંગોની પ્રાદેશિક તપાસ હાથ ધરી.

તપાસ દરમ્યાન અરજદારો વિપુલ ભોયર, માજી સરપંચ કમલેશ ધોડી અને પર્યાવરણ પ્રેમી મિતેશ પટેલ સહિત અન્ય અરજદારોને પણ ટેલીફોનિક જાણ કરી ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. તમામની હાજરીમાં બોરિંગના પાણીની પ્રાથમિક તપાસ કરવામાં આવી, જેમાં હજુ પણ લાલ કલરયુક્ત પ્રદૂષિત પાણી નીકળતું હોવાના પુરાવા મળ્યા.

સર્કલ અધિકારીએ ઘટના સ્થળે જ પંચકેસ કરી અને મામલતદાર કચેરીને રિપોર્ટ સુપરત કર્યો. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરાશે કે કેમ, અને પ્રદૂષણ ફેલાવનારા સંભવિત ઉદ્યોગોને નિયંત્રિત કરવા માટે શું પગલાં લેવામાં આવશે તે જોવા જેવી બાબત રહેશે.