
ડાભેલના ધર્મિષ્ઠા પાર્કમાં પ્રશાસનની કાર્યવાહી, 200 થી વધુ રૂમ અવૈધ જાહેર
દમણ સંઘ પ્રદેશના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ડાભેલના ધર્મિષ્ઠા પાર્ક પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા પાર્કમાં બનેલા 200 થી વધુ રૂમને અવૈધ ઘોષિત કરી આવનારા 15 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વિભાગ દ્વારા દમણના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા સર્વે દરમિયાન ડાભેલના ઘેલવાડ પંચાયત વિસ્તારમાં આ અવૈધ નિર્માણોની માહિતી મળી હતી. આ અંગે, ધર્મિષ્ઠા પાર્કના માલિકને નોટિસ આપી નિર્માણ પરમિશનની પુરાવાઓ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતાં.

આ મામલે પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગના સદસ્ય સચિવ પ્રિયાંશુ સિંહ દ્વારા આજ રોજ 200 જેટલી રૂમને અવૈધ જાહેર કરી, 15 દિવસમાં ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો. જેમાં 2 બિલ્ડિંગની ટેરેસ પર બનેલા 38 રૂમ, ચાલની 22 રૂમ અને પાછળની 2 બિલ્ડિંગની 150 જેટલી રૂમ સામેલ છે.
વિભાગ દ્વારા આજે જે રૂમ ખાલી હતાં, તે સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના તમામ રહેવાસીઓને 15 દિવસની અંદર સ્થળ ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પ્રશાસન દ્વારા આશરે 200 જેટલી રૂમનું વિસ્ફોટક દ્વારા ડિમોલિશન કરવામાં આવશે.