
વાપી મહાનગરપાલિકાના કમિશ્નર ડુંગરી ફળિયાની મુલાકાત લઈ મહાનગરપાલિકાના વિકાસ માટે અહીંથી શુભારંભ કરશે…?
વાપી હવે મહાનગરપાલિકા બની ગયું છે. પરંતુ, ડુંગરી ફળિયામાં ભંગારીયાઓની મનમાની સામે પ્રશાસન હંમેશાની જેમ નબળું જ પુરવાર થયું છે. ડુંગરી ફળિયામાં મિલત નગર વિસ્તારમાં આ ભંગારીયાઓએ કોમન પ્લોટને પણ નથી છોડ્યા. આ વિસ્તારમાં અનેક ભંગારના ગોદામ આવેલા છે. જેનો નકામો કચરો આ વિસ્તારમાં આવેલા કોમન પ્લોટમાં ઠાલવી આ કોમન પ્લોટને કચરાના ગોદામ બનાવી દીધા છે.
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે. અહીં કમિશ્નરની નિમણૂક થઈ ચૂકી છે. વિકાસના બણગાં ફૂંકાઈ રહ્યા છે. પરન્તુ હજુ સુધી વિકાસના નામે મહાનગરપાલિકાના અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ડુંગરી ફળિયામાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન છે. જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધમધમી રહી છે.
નફ્ફટ બનેલા ભંગરિયાઓ કોમન પ્લોટમાં તો ઠીક પણ અવરજવરના જાહેર માર્ગ પર પણ કચરના ઢગ ખડકી રહ્યા છે. ત્યારે, સ્થાનિક લોકોની માંગ છે કે, મહાનગરપાલિકાના અધિકારીઓ ડુંગરી ફળિયા વિસ્તારમાં GPCB, પોલીસતંત્ર ને સાથે રાખી યોગ્ય કાર્યવાહી કરે. જે ભંગારીયાઓની મનમાની આ વિસ્તારમાં ચાલી રહી છે. જે ગેરકાયદેસર ગોદામ છે. જે જાહેર માર્ગ, કોમન પ્લોટને ગંદકીમાં તબદીલ કરી રહ્યા છે. તેવા દરેક સામે કાયદાકીય કાર્યવાહી કરે.
વાપીને જ્યારે નગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે, ડુંગરી ફળિયા વિસ્તારને તેમાં સમાવી લેવામાં આવ્યો હતો. એ પહેલાથી ડુંગરી ફળિયા વિસ્તાર ભંગારીયાઓ માટે સ્વર્ગ સમાન હતો. અહીં વાપી GIDC, સરીગામ GIDC અને અન્ય ગ્રામ્ય વિસ્તારની કંપનીઓમાંથી નકામો કચરો, હેઝરડ્સ વેસ્ટ, કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર ગોદામો ફુલ્યા ફાલતા રહ્યા છે.
આ વિસ્તારમાં જમીનો ધરાવતા જમીન માલિકોએ આવા ભંગારીયાઓની વેંચાણ પેટે કે ભાડે જમીન, ગોડાઉન આપી પોતાની કમાણી માટે આખા વિસ્તારને વધુ નરકમાં ધકેલ્યો છે. આવો જ એક વિસ્તાર મિલત નગર છે. જે પણ તેના મૂળ માલિકે વેંચાણ પેટે કે ભાડેથી આવા ભંગારીયાઓને આપી માત્ર પોતાની કમાણીમાં રસ દાખવ્યો છે. આ મિલત નગરમાં 2 જેટલા કોમન પ્લોટ રાખવામાં આવ્યા છે. જે બન્ને કોમન પ્લોટ હાલ ભંગારના નકામા કચરાના ગોદામ બની ચુક્યા છે.