
દમણ, કેન્દ્રીય બજેટ પાસ થયા બાદ દમણ-દીવ અને દાદરા-નગર હવેલી ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટ સંમેલન યોજાયું, જેમાં ઉદ્યોગપતિઓ, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપાલિટી ના પદાધિકારીઓ, વિવિધ હોદ્દેદારો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તાજેતરમાં પસાર કરાયેલા કેન્દ્રીય બજેટના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે બજેટના લાભો માત્ર મોટા ઉદ્યોગકારો માટે જ નહીં, પરંતુ નાના વેપારીઓ, મધ્યમવર્ગ, શિક્ષણ ક્ષેત્ર અને બેરોજગારો માટે પણ મહત્વપૂર્ણ છે. સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને સ્પષ્ટતા મળે તે માટે દેશભરમાં બજેટ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આજનું દમણ સંમેલન પણ તેના એક ભાગ રૂપે યોજાયું હતું.

ઉદ્યોગકારોએ બજેટને ઉદ્યોગસ્થીતિ માટે પ્રોત્સાહક ગણાવ્યું અને ખાસ કરીને ટેક્સમાં મળેલી રાહતો, શિક્ષણ ક્ષેત્ર માટે થયેલા નિર્ણયો, બેરોજગારો માટેની સહાય યોજનાઓ, તેમજ નારી શક્તિ માટેની નીતિઓને સરકારના સરાહનીય પગલાં ગણાવ્યા.

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના આગમન પર ઉદ્યોગકારોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને વિકાસલક્ષી બજેટને સમર્થન આપ્યું. આ સંમેલનમાં લોકોના પ્રશ્નો અને સુઝાવો પણ સાંભળવામાં આવ્યા હતા, જેથી આગામી દિવસોમાં વિકાસના નવા દરવાજા ખૂલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.