
સેલવાસ: શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ નહેરમાંથી ટેન્કરો ભરી ઔદ્યોગિક કંપનીઓમાં પાણી વેચવાનો કાળો ધંધો ચાલી રહ્યો છે. સાયલી નમો મેડિકલ કોલેજ નજીક, એક ટેન્કર નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી ભરતો જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ટેન્કર જેબીએફ કંપની માટે પાણી ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું.
વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલી સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ કોઈ નવી ઘટના નથી. સાયલી, સીલી, રખોલી અને સુરંગી જેવા વિસ્તારોમાં લાંબા સમયથી ટેન્કર માફિયાઓ નહેરનું પાણી ભરીને ફેક્ટરીઓમાં વેચી રહ્યા છે. આ પાણી મૂળ રૂપે ખેડૂતો માટે આપવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક યુઝ માટે વપરાતું હોવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી વેઠવી પડે છે.

• પ્રશાસન સામે સવાલ
જાહેરમાં ચાલતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પ્રશાસન શાંત કેમ છે? શું સંબંધિત તંત્રોને આ ઘટનાઓની જાણ નથી? જો હા, તો હજુ સુધી કોઈ પગલાં કેમ ભરવામાં આવ્યા નથી? આવા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.

• કાયદેસર કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પ્રશાસન પાસે તાકીદે આ મામલાની તપાસ કરી, દોષિત ટેન્કર માલિકો અને કંપનીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જો વહેલી તકે પગલાં નહીં ભરાય, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતા છે.
સેલવાસમાં વધી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તંત્ર ક્યારે નજર કરશે? અને શું ખરેખર પાણી માફિયાઓ સામે કડક પગલાં ભરાશે?
તે જોવું મહત્વપૂર્ણ રહેશે.