
સંઘપ્રદેશ દમણના નાની દમણ ખરીવાડ ના મુખ રસ્તા પર આજરોજ સામસામે 2 કાર વચ્ચે અકસ્માત સર્જવા પામ્યો હતો. છેલા ઘણા દિવસથી નાની દમણથી વડચોકી તરફ જતા એકબાજુના રસ્તા પર પ્રશાસન દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કાર્ય કરાય રહ્યું છે. જેને લઈ એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અને બાજુના તરફના રસ્તાને બંને તરફના વાહન વ્યવહાર માટે કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ સવારે 9 વાગ્યાની આસપાસ હ્યુન્ડાઈ આઈ 10 કાર નં. GJ-15-CL-5885 અને સ્વિફ્ટ ડિઝાયર કાર નં. DD-03-AB-0055 વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જવા પામ્યો હતો.

ઘટના ઘટતા જ બંને કારની આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામ્યો હતો. અને કારમાં સવાર એક મહિલા અને અન્ય કારમાં સવાર પુરુષને નાની મોટી ઇજા સાથે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઈ નો પણ જીવ ન જતા મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવ બાદ બંને કાર ચાલકો એ અંડરમાં સમાધાન કરી લેતા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજના થયેલા આ અસ્કમાત બાદ જવાબદાર તંત્ર ચાલી રહેલા વાહન વ્યવહાર વાળા રસ્તા પર થોડા થોડા અંતરે બેરીગેટ્સ મૂકે તો આ પ્રમાણેના ગંભીર અકસ્માત થતાં રોકી શકાય એમ છે.