Vapi | વાપી મનપા દ્વારા ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તેવુ કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત કરવામાં આવ્યું.

વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તેવુ કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે.(Mortuary Freezer/શબઘર ફ્રીઝર) આ સુવિધા ઉભી કરવા માટે વાપીમાં બિનવારસી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા સેવાભાવી ઇન્તેખાબ ખાને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે.

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં 38 વર્ષથી બિનવારસી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા તેમજ દરેક અજાણ્યા મૃતદેહને તેમની ધાર્મિક વિધિ અનુસાર સ્મશાનમાં અગ્નિદાહ આપવાનું કે કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાનું સેવાકીય કાર્ય કરતા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, ચલા CHC ખાતે પાંચ-છ વર્ષ પહેલાં પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મદદથી મૃતદેહને સાચવવા કોલ્ડસ્ટોરેજ રૂમ ઉભો કરી તેમાં Mortuary Freezer લગાવવામાં આવ્યું હતું.

આ Mortuary Freezer/શબઘર ફ્રીઝર મશીન 8 મહિના પહેલા ખરાબ થયું હતું. જેથી જ્યારે પણ કોઈ મૃતદેહને એકાદ-બે દિવસથી વધુ સાચવવાની નોબત આવતી હતી. ત્યારે, મૃતદેહને વલસાડ, ભિલાડ, દમણ કે સેલવાસમાં સરકારી હોસ્પિટલમાં આવેલ શબઘરના કોલ્ડસ્ટોરેજ ખાતે મોકલવામાં આવતા હતાં. જેમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યાની રજુઆત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ કરવામાં આવી હતી. જે ધ્યાને લઇ કનુભાઈ દેસાઈએ અહીં નવા આધુનિક શબઘર ફ્રીઝરની ભેટ આપી છે. જેમાં મહાનગરપાલિકાનો પણ સિંહફાળો હોય આ સુવિધા પુરી પાડવા માટે તેમનો આભાર માન્યો હતો.  

આ સુવિધા મળવાથી અકસ્માત કે અન્ય કારણોસર મૃત્યુ પામેલ વ્યક્તિના મૃતદેહને વાપીથી અન્ય વિસ્તારમાં લઈ જતા પહેલા તેને એક થી બે દિવસ માટે સાચવવાનું સુલભ બન્યું છે. પરંતુ, મહાનગરપાલિકા આ નવા Mortuary Freezerનાં રખરખાવ માટે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની નિમણૂક કરે તે જરૂરી છે. તેવું જણાવતા ઇન્તેખાબ ખાને વધુમાં જણાવ્યું હતું કે, જૂનું શબઘર ફ્રીઝર મશીન યોગ્ય માવજતના અભાવે ખરાબ થયું હતું. જેના કારણે 8 મહિનામાં 70 જેટલા મૃતદેહને અન્ય સરકારી હોસ્પિટલના શબઘરમાં કાર્યરત કોલ્ડસ્ટોરેજમાં મુકવા પડ્યા હતાં.

આ શબઘર ફ્રીઝરમાં મૃતદેહને 2 થી 6 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પ્રેચરમાં રાખી શકાશે. આ ઉત્તમ સુવિધા પુરી પાડવામાં નિમિત્ત બનેલા કનુભાઈ દેસાઈ અને મહાનગરપાલિકા તેના મેઇન્ટનન્સના અને યોગ્ય રખરખાવ માટે પણ હોસ્પિટલને તાકીદ કરે અને યોગ્ય સ્ટાફની નિમણૂક કરે તેવી અપીલ ઇન્તેખાબ ખાને કરી છે.

ઉલ્લેખનીય છે કે, ચલા CHC ખાતે જૂનું Mortuary Freezer મશીન ખરાબ થયાની જાણકારી મળ્યા બાદ નાણામંત્રી કનુભાઈએ તાત્કાલિક નવા Mortuary Freezer મશીનની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. જે બાદ તેઓએ સમયાંતરે તેની માહિતી મેળવી 5.50 લાખના ખર્ચે અહીં કિર્લોસ્કાર કંપનીનું ખૂબ જ સારું Mortuary Freezer મશીન ઉપલબ્ધ કરાવ્યું છે. જેનો ખૂબ જ સારો ફાયદો મળશે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *