
દાદરા નગર હવેલી અને દમણ-દીવની જનતાને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2500 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓની ભેટ આપી. વડાપ્રધાનની હાજરીમાં યોજાયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
દાદરા નગર હવેલીના શાયરી ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આયોજિત વિશાળ જનસભામાં જનતા ઉત્સાહભેર ઉમટી હતી. દેશના લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર દેખાઈ રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્યા, ત્યારે લોકોની ભારે હૂંકાર અને કરતાળ ધ્વનિ વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાને પોતાની સંબોધન દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવની જનતાને આવકારતા જણાવ્યું કે આ વિકાસ પ્રકલ્પો પ્રદેશના નાગરિકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે. વિવિધ યોજનાઓની જાહેરાત સાથે, તેમણે પ્રજાજનોને એક અનોખો સંકલ્પ પણ કરવા માટે અનુરોધ કર્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતાએ પોતાના દૈનિક જીવનમાં ખોરાકમાં 10% તેલનો વપરાશ ઘટાડવાનો સંકલ્પ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં આરોગ્યને લગતી સમસ્યાઓ, ખાસ કરીને વધતા જતાં મોટાપાને અટકાવી શકાય. વડાપ્રધાનના આ અનુરોધને ભરી સભાએ સમર્થન આપ્યું અને ભવિષ્યમાં ઓછું તેલ વાપરવાનો સંકલ્પ કર્યો.
પ્રદેશની જનતાએ 2500 કરોડની યોજનાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વધુ પ્રગતિના પંથ પર આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી.