
દમણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાદરા-નગર હવેલી અને દમણ-દીવની થ્રીડી મુલાકાતના પ્રસંગે દમણ જિલ્લામાં ભવ્ય વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. જિલ્લાની વહીવટી તંત્ર દ્વારા દેવકા ગાર્ડન અને નાઈટ સ્ટ્રીટ, છપલીશેરી ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, મહાનુભાવો અને વહીવટી અધિકારીઓએ હાજરી આપી હતી.
આ અવસરે વડાપ્રધાન મોદીએ રૂ. ૨,૫૮૭ કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. તેમાં દેવકા ગાર્ડન અને નાઈટ સ્ટ્રીટના નવા વિકાસકામો શામેલ છે, જે પ્રવાસન અને શહેરી સુવિધાઓમાં સુધારો લાવશે. પ્રશાસને નાઈટ સ્ટ્રીટ અને છપલીશેરીને આકર્ષક અને આધુનિક દેખાવ આપ્યો છે, જેમાં પોર્ટુગીઝ આર્કિટેક્ચરનો સમૂહ જોવા મળે છે. અહીં નવી સ્ટ્રીટ લાઈટ, ફૂડ સ્ટોલ અને વિશેષ લાઇટિંગ ડેકોરેશન કરીને ટુરિઝમ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે.

દેવકા ગાર્ડનમાં બાળકો માટે ખાસ પ્લે એરિયા અને મફત ટોય ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે, જે પ્રવાસીઓને પણ આકર્ષશે. આ અવસરે સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો યોજાયા, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રશાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને હજારો નાગરિકોએ હાજરી આપી. આ વિકાસ યોજનાઓ દમણ-દીવ અને દાદરા-નગર હવેલીની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે એક મોટું પગલું સાબિત થશે.