
સિલ્વાસા: ફૂડ વિભાગની ટીમે રાખોલી-સયાલી એક્સટેન્શન વિસ્તારમાં આવેલા “નીલેશભાઈ કા ઢાબા” પર દરોડો પાડી મોટી માત્રામાં દારૂ અને પ્રતિબંધિત ગુટખો જપ્ત કર્યો છે. આ ઢાબો આલોક પબ્લિક સ્કૂલ રોડ પર આવેલું છે, જ્યાં ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.
મળતી માહિતી મુજબ, જપ્ત કરાયેલ દારૂની કિંમત હજારો રૂપિયામાં હોવાનો અંદાજ છે. મામલાની ગંભીરતા જોઈને ફૂડ વિભાગે તાત્કાલિક એક્સાઈઝ વિભાગને જાણ કરી, જેના પગલે એક્સાઈઝ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી કરી.

આ દરોડા દરમિયાન સાયલી પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહી, અને શિવાજી તથા પ્રકાશ નામના બે શખ્સોની અટકાયત કરી. હાલ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના પાછળ કયું નેટવર્ક કાર્યરત છે.

શહેરમાં દારૂ સાથે પ્રતિબંધિત ગુટખા અને સિગારેટનો પણ મોટાપાયે વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં, તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જે સ્થાનિક વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરી, આરોપીઓ પર કડક પગલાં ભરવાની સંભાવના છે.