
વાપી ટાઉનમાં આવેલ સિનિયર સીટીઝન હોલમાં બુધવારે પોદાર જમ્બો કિડ્સ નો 2nd Annual Day ઉજવાયો હતો. જેમાં 41 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતા સાથે ડાન્સ કરી અનોખો આનંદ ઉઠાવ્યો હતો. તો, આ સાથે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ધ્યાને રાખી શ્રેષ્ઠ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોને વિવિધ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ એન્યુઅલ ડે અંગે પોદાર જમ્બો કિડ્સની ફ્રેન્ચાઇઝી ડિરેકટર અશ્વિની રાણે એ જણાવ્યું હતું કે, પોદાર જમ્બો કિડ્સમાં અભ્યાસ કરતા બાળકોનો આ એન્યુઅલ ડે અને ગ્રેજ્યુએશન ડે હતો. જેમાં અહીં 2 વર્ષથી અભ્યાસ કરતા 41 બાળકોએ પોતાના માતાપિતા સાથે સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. આ ડાન્સમાં શાળાના શિક્ષકો, સ્ટાફ પણ ઉત્સાહભેર જોડાયો હતો.

એન્યુઅલ ડે, ગ્રેજ્યુએશન ડે સાથે મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન મળે તેવા ઉદેશ્ય સાથે શ્રેષ્ઠ નારીઓનું સન્માન કર્યું હતું. શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવા સાથે તમામને એવોર્ડ અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યાં હતા.

આ એન્યુઅલ ડે માં વિશેષ ઉપસ્થિત રહેલા દમણ એર સ્ટેશનના અને ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા નેહા પારંગે એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ સરસ કાર્યક્રમ હતો. જેનો તમામ શ્રેય અશ્વિની રાણે ને જાય છે. આ કાર્યક્રમમાં બાળકોમાં રહેલી પ્રતિભાના દર્શન તો થયા જ હતાં. સાથે સાથે તમામ માતાપિતાએ બાળકો સાથે ડાન્સ કરી બાળપણની યાદો તાજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પોદાર જમ્બો કિડ્સ ના આ એન્યુઅલ ડે કાર્યક્રમમાં બાળકો, વાલીઓ અને શાળામાં ફરજ બજાવતા તમામ સ્ટાફનું સન્માન કરાયું હતું. તો, સમાજમાં સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મહિલાઓને આમંત્રણ આપી ICG ડેપ્યુટી કમાન્ડન્ટ નેહા પારંગે ના હસ્તે ટ્રોફી, સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.