દમણના ડાભેલ સ્થિત ધર્મિષા પાર્ક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર ગુલાબભાઈ બાબુ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રના જણાવ્યા મુજબ, બિલ્ડરે કોઈપણ પ્રશાસનિક પરવાનગી લીધા વગર ત્રણથી ચાર દુકાનો અને બિલ્ડિંગ બાંધી હતી. ઉપરાંત, ટેરેસ અને જમીન પર ચાલ પર પણ ગેરકાયદે રૂમ બનાવી પરપ્રાંતીય કામદારોને ભાડે આપ્યા હતા.

દમણ પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીને આ બાબતની જાણ થતાં, ડાભેલના ધર્મિષા પાર્કમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું કે બિલ્ડિંગ બાંધવાની કોઈ અધિકૃત મંજૂરી લેવામાં આવી નહોતી. અગાઉ પણ આર.સી.સી. ચણતર દરમિયાન બિલ્ડરને નોટિસ ફટકારી બાંધકામ રોકવા અને દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. સાથે, વિકાસ સત્તામંડળના સભ્ય સચિવ સમક્ષ સુનાવણી માટે તક આપવામાં આવી હતી, પરંતુ બિલ્ડર પરવાનગી પત્ર રજુ કરવામાં નિષ્ફળ રહ્યો.આખરે, 17 ફેબ્રુઆરી 2025ના રોજ તંત્ર દ્વારા બિલ્ડિંગ પર નોટિસ ચીપકાવી 15 દિવસમાં ખાલી કરવાની અને 22 દિવસની અંદર બાંધકામ તોડવાનો નિર્દેશ અપાયો. ગત તારીખે સમયમર્યાદા પૂર્ણ થતાં, આજે દમણ પ્રશાસને કડક પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર અને ડ્રિલર મશીન વડે ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ