
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે થયેલા વૃધ્ધના અકસ્માતના મોત મામલે નવો વંળાક આવ્યો છે. જેમા વૃધ્ધના પોસ્ટમોર્ટમ રિપોટમાં માથાના ભાગે કોઈ હથિયાર મારીને હત્યા કરી દેવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. શહેરા પોલીસે હત્યા મામલે ગુનાને અંજામ આપનારા અજાણ્યા ઈસમ સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા પોલીસ મથકે નોધાયેલી ફરિયાદની માહિતી મુજબ શહેરા તાલુકાના બામરોલી ગામના પુનાભાઈ ચારણ સાંજના સાત વાગ્યા પછી બાઈક પર ખેતરમાં જવા નીકળ્યા હતા. તેમના પરિવાર સાથે 8.53 વાગે વાત થઈ હતી અને 10 મિનિટમા ઘરે આવી જવાનુ જણાવ્યુ હતુ પણ તેઓ ના આવતા પરિવારજનોની ચિંતા વધી હતી. આથી ગામમાંથી એક ઈસમનો ફોન આવ્યો હતો કે તમારા પિતા પુનાભાઈ નાળા પાસે પડ્યા છે. પરિવારજનો બનાવ સ્થળે પહોચ્યા હતા. ત્યા જોયા તો તેમના માથાના ભાગે લોહી નીકળતુ હતું. તેમના મૃતદેહને સરકારી દવાખાને લઈ ગયા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામા આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા વૃધ્ધ પુનાભાઈ ચારણને માથાના જમણા ભાગે કોઈ ગંભીર ઈજા પહોચાડીને હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે. હાલ તો આ મામલે પોલીસે હત્યા કરનારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.