
વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં મોપેડ સવાર માતાનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ દુર્ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વાપી રાતા ગામના દેસાઈ ફળિયામાં રહેતા 30 વર્ષીય નયન રાજેશ સોલંકી તેની માતા 49 વર્ષીય રંજનબેન સોલંકીને નોકરી પર મૂકવા માટે મોપેડ પર લઈ જઈ રહ્યા હતા. સવારે પોણા નવ વાગ્યાની આસપાસ, જયારે તેઓ વાપી જી.આઈ.ડી.સી. ત્રણ રસ્તા, સી-ટાઈપ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-21 VY-7688) સાથે તેમની મોપેડની જોરદાર ટક્કર થઈ.

“ડમ્પર ખૂબ જ ઝડપમાં હતું અને તેણે મોપેડને ટક્કર મારી. મોપેડ પર સવાર માતા-પુત્ર નીચે પટકાયા, અને દુર્ઘટનામાં માતાના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળ પર જ કરૂણ મૃત્યુ થયું.”
આ અકસ્માતમાં પુત્ર નયન સોલંકી પણ ઈજાગ્રસ્ત થયો છે. ઘટના બાદ ડમ્પરચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં વાપી જી.આઈ.ડી.સી. પોલીસે મૃતકના પુત્ર નયન સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષ છે, કારણ કે સી-ટાઈપ માર્ગ પર વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
વાપી થી આલમ શેખ..