દમણમાં ટ્રેક્ટર અકસ્માત: સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ, ડ્રાઈવર ફરાર


દમણના રીંગણવાડા સરકારી હાઈસ્કૂલ પાસે 17 તારીખ ની સાંજે 4:30 વાગ્યાના સુમારે એક ગંભીર અકસ્માત સર્જાયો. રીંગણવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે દમણથી ડીમાર્ટ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે અચાનક ફૂટપાથ પર ચઢી જઈ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા બાળકોને ટક્કર મારી, ત્યારબાદ એક ઝાડ સાથે અથડાઈ ગયો.


આ અકસ્માતના કારણે ત્યાં હાજર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. ઘટના બનતાની સાથે જ ટ્રેક્ટર ચાલક તુરંત જ સ્થળ પરથી ભાગી છૂટ્યો. રસ્તા પરથી પસાર થતા લોકો તુરંત બચાવ માટે દોડી આવ્યા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનીના પગમાં ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે.

લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેથી ઇજાગ્રસ્ત બાળકોને તુરંત મોટી દમણની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ કચીગામ પોલીસ મથકને કરાતા, પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે અને ભાગી ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ટ્રેક્ટર પંથકમાં કચરો ઉઠાવતી નાઇન સ્ટાર નામની એજન્સીનું હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રેક્ટર કોઈ કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવ્યું હતું, અને અસલ ડ્રાઈવર તેના ગામ ગયો હોવાથી, તેણે પોતાના મિત્રને થોડા દિવસ માટે આ ટ્રેક્ટર ચલાવવા માટે આપ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ અકસ્માત નશાની હાલતમાં થયો હતો કે પછી ડ્રાઈવરની અણઆવડત એ કારણ બની હતી.

પોલીસ હવે ભાગી છૂટેલા ડ્રાઈવર સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે, અને આગામી સમયમાં આ મામલામાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *