નડિયાદ મહાનગપાલિકામાં કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલો અટવાઈ પડ્યા, જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો મામલો

ગુજરાતમાં નવી બનેલી નડિયાદ મહાનગરપાલિકામાં વાર્ષિક કામો સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરોએ બાકી પડતા લેણા માટે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આગામી દિવસોમાં બિલોની ચુકવણી કરવા માટે પ્રયત્ન કરાશે, તેવી ખાતરી આપી હોવાનું કોન્ટ્રાક્ટરોએ જણાવ્યુ છે.

ગુજરાતમાં નડિયાદ મનપા બન્યા બાદ છેલ્લા અઢી મહિનાથી એક પણ બિલ મંજૂર થયુ નથી. એકાઉન્ટ ઓફીસર બિલ મંજૂર કર્યા બાદ ઓડીટર પાસે જાય છે, જ્યાં ઓડીટર દ્વારા સામાન્યમાં સામાન્ય બાબતો આગળ ધરી અને બિલો પરત મોકલી દેવાતા હોવાની ચર્ચાઓ છે.

આ સિવાય અગાઉ નગરપાલિકા વખતે પણ વાર્ષિક કામો સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયાના બિલોના લેણા બાકી છે. ત્યારે આ વચ્ચે આજે નડિયાદ મનપામાં પાણી, ગટર, રોડ-રસ્તા, ઓટો સબંધિત, આકારણી, સફાઈ સહિતના કામો સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો પહેલા કમિશ્નરને અને બાદમાં જિલ્લા કલેક્ટર અને મનપાના વહીવટદારની મુલાકાતે પહોંચ્યા હતા.

જ્યાં તમામ કોન્ટ્રાકટરોએ એકસૂરમાં પોતાના બાકી લેણા ચુકવાય તે માટે રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે તાકીદે આ બાકી લેણા ચુકવી આપવામાં આવશે, તેવુ આશ્વાસન આપ્યુ હતુ. કોન્ટ્રાક્ટર કેતન પટેલ દ્વારા જણાવાયુ હતુ કે, મનપા બન્યા બાદ કોન્ટ્રાક્ટરોને બિલોના નાણાં હજુ સુધી વિલંબિત છે, જેની રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા આગામી બે દિવસમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપી છે.

તો આ મામલે કોન્ટ્રાક્ટર સંજય ગોહીલે જણાવ્યુ હતુ કે, હાલમાં જ હોળીનો તહેવાર ગયો છે, અમે જે કોન્ટ્રાક્ટ રાખીને કામ કરીએ તેમાં અમારે આગળ પણ નાણાં ચુકવવાના હોય અને લેબર એટલે કે કર્મચારીઓ-મજૂરોને પણ પૈસા ચુકવાના હોય છે, હોળી સમયે અમે તો અમારી રીતે વ્યવસ્થા કરી અને આ પગારો અને મજૂરી ચુકવી છે, પરંતુ અમને પણ તંત્ર તરફથી સહયોગ મળે તે માટે રજૂઆત કરી છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *