
અમદાવાદમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના વટવા વિસ્તારમાં સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગી છે. સૈયદનગર પાસેના સિલાઇ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી છે. 40થી વધુ જવાનોએ આગ પર કાબૂ મેળવવા કર્યો પ્રયાસ તમને જણાવી દઈએ કે ફાયર વિભાગની 9 ગાડીઓ અને 6 અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. 40થી વધુ જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને કોઈ જાનહાની હોવાના સમાચાર પણ સામે આવ્યા નથી. આગ પ્રચંડ માત્રામાં લાગી છે અને આગમાં કરોડો રૂપિયાનો સામાન પણ બળીને ખાખ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આગની ઘટના બનતા જ આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતા, લોકો પાણીની ડોલ ભરી ભરીને નાખી રહ્યા હતા પણ આગ કાબૂમાં આવી નહતી.