
વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉધોગોમાં “NO HELMET, NO ENTRY” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીના VIA હોલ ખાતે SP ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ Traffic Awareness Sessionનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના 300 જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે. અહીં મોટી સંખ્યામાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. દિવસરાત ધમધમતા આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરવા આવે છે. જેમાં એક મોટો કામદાર વર્ગ દ્વિચક્રી વાહનમાં આવાગમન કરે છે. જેને કારણે અનેક નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં જાનહાની ટાળવા તમામ ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે આ અભિયાયન હાથ ધરાયુ છે. “NO HELMET, NO ENTRY” અભિયાન હેઠળ દરેક ઉદ્યોગોમાં આવતા કામદારો હેલ્મેટ પહેરીને આવશે તો જ તેની એન્ટ્રી થશે.

આ અભિયાનને સફળ બનાવવા માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલમાં લાયન્સ પરિવાર અને એ ઉપરાંત SIA, VIA, PIA, UIA, MIA જેવા તમામ વલસાડ, પારડી, ઉમરગામ, સરીગામ, મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના એસોસિએશનના હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 300 જેટલા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જે તમામે આ અભિયાનને સફળ બનાવવા અને તેમાં 100 ટકા યોગદાન આપવાનો કોલ આપ્યો હતો.
જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ આ સુરક્ષા સલામતીના અભિયાન અંગે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વધતા અકસ્માતોને ધ્યાને લઇ આ અભિયાન હાથ ધરાયુ છે. રોડ અકસ્માત તેમજ ઔદ્યોગિક અકસ્માત બનતા અટકે તેવા પ્રયાસ સાથેના અભિયાનમાં 1 મહિના સુધી દરેક ઉદ્યોગોનું દરેક એસ્ટેટનું એસોસિએશન, પોલીસ ની ટીમ મોનીટરીંગ કરશે. જેમાં જે ઉદ્યોગોમાં આ અભિયાનનો 100 ટકા અમલ થયો હશે. તેવા તમામ ઉદ્યોગોના સંચાલકોનું સન્માન કરવામાં આવશે.
જિલ્લા પોલીસવાડાએ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો, વેપારીઓ, નોકરિયાતો સહિત વલસાડની જાહેર જનતાને અપીલ કરી હતી કે, તમે દ્વિચક્રી વાહન પર ક્યાંય પણ જાવ હેલ્મેટ અવશ્ય પહેરો, તમારી સેફટી એ તમારા પરિવારની સેફટી છે. જો, તમે સલામત હશો તો તમારો પરિવાર પણ સલામત રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ એવરનેસ સેમિનાર કમ “NO HELMET, NO ENTRY” અભિયાનના પ્રારંભે જિલ્લા પોલીસવડા ઉપરાંત, વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, IPS અંકિતા મિશ્રા, VIA પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા સહિતના હોદ્દેદારો, લાયન્સ પરિવારના હોદ્દેદારો, વિવિધ પોલીસ થાણા ના અધિકારીઓ, ઉદ્યોગોના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
વલસાડ થી આલમ શેખ..