
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનેટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબ વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબ વે 52.895 મીટર બોક્ષ તથા 20.000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે. જેમાં RCC બોક્ષની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93 હજાર 551 રૂપિયા ખર્ચે બનાવવા આવ્યો છે. આ પેડેસ્ટ્રીયન સબ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પાલિકા પ્રમુખો, પૂર્વ નગરસેવકો, વેપારીઓ, નગરજનોને સંબોધન કરતા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સ્થળે રેલવે ટ્રેક હોય અનેકવાર ગમખ્વાર અકસ્માતો થતા હતા જેને હવે નિવારી શકાશે. તેમજ ઈસ્ટ-વેસ્ટને જોડતા અન્ય જે બ્રિજ સહિતના કામ છે તે પણ આગામી દિવસોમાં પૂર્ણ કરી લોકોને વધુમાં વધુ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે પણ આ પેડેસ્ટ્રીયન સબ વે લોકો માટે અત્યંત ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આગામી દિવસોમાં શહેરીજનોની સુખાકારી માટે જે પણ કાર્યની રજુઆત કરવામાં આવશે તે પૂર્ણ કરવા મદદરૂપ બનશે તેવું જણાવ્યું હતું.આ પેડેસ્ટ્રીયન સબ વે અંગે વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે લાઈન અને નેશનલ હાઇવે પસાર થાય છે. જેના કારણે ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટીનો ગંભીર પ્રશ્ન હતો. રેલ્વે ટ્રેક પર મોટી સંખ્યામાં ટ્રેનના આવાગમન હોય, રેલવે ટ્રેક ઓળંગવું મુશ્કેલ ભર્યું હતું. અનેક અકસ્માતો થતા હતા. હવે, આ પેડેસ્ટ્રીયન સબ વે બનાવવામાં આવ્યો છે. જેના ઉદ્ઘાટન બાદ રેલ્વે ટ્રેક પરના અકસ્માતોમાં ઘટાડો થશે. તેમ જ અન્ય એક અન્ડરપાસનું કામ પ્રગતિમાં છે. જે દિવાળી સુધીમાં તૈયાર થશે. બ્રીજના કામ છે તે પણ પ્રગતિમાં છે. આવનારા દિવસોમાં વધુ કનેક્ટિવિટી મળશે. સુરક્ષાને ધ્યાને રાખી CCTV, લાઇટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. જેથી પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર અંકુશ લેવામાં સફળતા મળશે. જમીયતે ઉલેમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ અને સામાજિક કાર્યકર એવા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી આ સ્થળે અન્ડરપાસ સબ વે બનાવવાની માંગ હતી. જે આજે પૂરી થઈ છે. તેઓ પોતે બિનવારસી મૃતદેહોને ઊંચકવાનું કામ કરતા હોય તેમના અંદાજ મુજબ દર વર્ષે 100 થી સવાસો લોકોના મૃત્યુ રેલ્વે ટ્રેક પર થાય છે. જેમાં આ સ્થળે વર્ષે દહાડે 50 જેટલા લોકોના અકસ્માતોમાં મૃત્યુ થયા છે. જે હવે નહીં થાય તે ખૂબ જ સંતોષજનક અને સારી બાબત છે. પરંતુ, આ સબ વે ખૂબ જ લાંબો છે એટલે રાત્રે કે દિવસના સમયે તેના બંને છેડે પોલીસ સુરક્ષા જરૂરી છે. માત્ર સીસીટીવીના આધારે યોગ્ય સુરક્ષા થઈ શકશે નહીં. મોબાઇલ સ્નેચિંગ સહિત જાનહાની ની એવી ઘટનાઓ પણ બની શકે છે કે જે ગણતરીની સેકન્ડમાં બનતી હોય છે અને તેનો લાભ આવારા તત્વો ઉઠાવી જતા હોય છે. જે ઘટનાઓને રોકવા માટે પોલીસે સુરક્ષા તહેનાત કરવી એટલી જ જરૂરી છે. જો એ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તો જ આ પેડેસ્ટ્રીયન સબ વે નો લાભ લોકોને સાચા અર્થમાં અને સારી રીતે મળી શકશે.ઉલ્લેખનીય છે કે, આ પેડેસ્ટ્રીયન સબવેના લોકાર્પણ પ્રસંગે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈ,ના લોકસભા દંડક અને સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ ઉપરાંત માજી સાંસદ સભ્ય કે. સી. પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર યોગેશ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, વાપી DySP બી. એન. દવે, વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વાપી થી આલમ શેખ..