
કરવડ વિસ્તારમાં આવેલા એક ભંગાર ગોડાઉનમાં પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે જોખમી સ્થિતિ ઉભી થઈ છે. અમઝદ નામનો વ્યક્તિ અહીં ભંગારમાં આવેલા ડ્રમ કાપવાનું કામ કરે છે, જેમાંથી વિવિધ પ્રકારના જેલી જેવાં દ્રવ્ય નીકળે છે. આ ઝેરી પ્રવાહી ગોડાઉન આસપાસના વિસ્તારોમાં વિખેરાતા હોવાની માહિતી મળી છે, જે પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

પ્રવાહીનો બેફામ નિકાલ અને આરોગ્ય પર અસર
આ ગોડાઉનમાં મોટા પાયે ડ્રમ કટિંગનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ઝેરી પ્રવાહી ગોદામમાં જ ઢોળાઈ રહ્યું છે. આ જ ગંદકીમાં કામ કરી રહેલા મજૂરોના આરોગ્ય પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને આ પ્રવાહી ચામડીના રોગો ઉત્પન્ન કરી શકે છે, જે મજૂરો માટે ગંભીર તબીબી સમસ્યા ઊભી કરી શકે છે.

મહાનગરપાલિકા અને GPCBની તપાસ જરૂરી
હાલમાં વાપી મહાનગરપાલિકા દ્વારા અનેક ભંગાર ગોડાઉન માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આરોગ્ય અને Gujarat Pollution Control Board (GPCB) વિભાગની ટીમ સાથે કરવડના આ ગોડાઉનમાં પણ તાકીદે તપાસ કરાવી શકાય, જેથી પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે પેદા થયેલા જોખમ સામે યોગ્ય પગલાં લઈ શકાય.
વાપી થી આલમ શેખ..