
ઉમરગામ: ઈરાની રોડ પર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં પાણીપુરીનો વ્યવસાય ચલાવતા વેપારી સાગર માંગીલાલ રાવલે ગોડાઉનમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સવારના સમયે સાગરે પોતાની પત્ની સુપ્રિયાને કહ્યું હતું કે, તે દુકાને જઈ રહ્યો છે. બપોરે 11 વાગ્યે બંને વચ્ચે ફોન પર વાત થઈ, જેમાં તેણે બજારમાં સામાન લાવવાનું અને થોડા સમય પછી ઘરે આવવાનું કહ્યું હતું. જો કે, સુપ્રિયા દ્વારા વારંવાર ફોન કરવા છતાં સાગરે કોઈ જવાબ આપ્યો નહોતો. સોશિયલ મીડિયા પર સાગરે એક મેસેજ મૂક્યો હતો કે, તે ગોડાઉનમાં છે અને કામ કરી રહ્યો છે. આ મેસેજ જોઈને સુપ્રિયા ટિફિન લઈને દુકાને પહોંચી, પરંતુ દુકાનનું શટર બંધ હતું.

બાજુની સલૂનના માલિકે જણાવ્યું કે થોડા સમય પહેલા સાગર અહીં આવ્યો હતો.જ્યારે સુપ્રિયા ગોડાઉનમાં પહોંચી ત્યારે તેણે સાગરને પંખાના હુક સાથે લટકતી હાલતમાં જોયો. આ વાત જાણતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી. સાગરને CHC હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.ઉમરગામ પોલીસે ઘટનાની નોંધ લઈ આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.
ઉંમરગામ થી આલમ શેખ..