
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ છે.ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879 ની કલમ 73 AA ખાસ કરીને આદિવાસી સમુદાયની માલિકીની જમીનની વિમુખતા ને રોકવાનો છે. આવી જમીનને જ્યારે કોઈ આદિવાસી ટ્રાન્સફર કરવા ઈચ્છે છે. ત્યારે જિલ્લા કલેકટર અને મહેસુલ વિભાગ ગાંધીનગર પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી આવશ્યક છે. આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો છે. કરવડ ગામની સરહદ DNH ના દેમણી, દાદરા ની સરહદને અડીને આવેલી છે.

અહીં, આદિવાસી સમુદાયોની ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879 ની કલમ 73 AA હેઠળ ખેતીની જમીનો મોટા પ્રમાણમાં આવેલી છે. જેના ઉપર હાલ બિનઅનધિકૃત બાંધકામો જેવા કે કોમર્શિયલ ભંગારના ગોડાઉન, રહેણાંક બિલ્ડીંગો (જેમાં કેટલીક ચાલીઓ તો 3 માળની છે) ઉપરાંત, દુકાનો અને શાળા પણ આવેલી છે.ત્યારે, તમામ વિવિધ પ્રકારના બાંધકામની પરમિશન કોણે આપી? અને કોની છત્રછાયા હેઠળ ગ્રામ પંચાયતમાં બાંધકામ પ્લાનની મંજૂરી મેળવી? વેચાણની પરમિશન કોણે આપી? તેવા પ્રશ્નાર્થ સર્જાયા છે.

લેન્ડ રેવન્યુ કોડ 1879 ની કલમ 73 AA હેઠળ આવેલી ખેતીની જમીનોના કાયદા પ્રમાણે કલેક્ટરની અને મહેસુલ વિભાગની પૂર્વ પરવાનગી વગર આવી જમીનો ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ શકે નહીં. જો આ પરવાનગી લેવામાં નથી આવી તો આ લોકોને બાંધકામની પરવાનગી કોણે આપી એ હાલ ચર્ચા નો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, કરવડ ગમના અને દાદરા અને નગર હવેલીની સરહદ ને અડીને આવેલી આદિવાસીઓની જમીનો ઉપર મોટા પ્રમાણમાં બાંધકામ થયેલ છે તેની પરવાનગી કાયદેસર છે કે ગેરકાયદેસર છે, અન્યથા માનનીય કલેકટર સાહેબ ની ઉપરવટ જઇ ને કોઈ કૌભાંડ તો આચરવામાં આવ્યું નથી ને? તે અંગે વાપી મનપાના અધિકારીઓ તપાસ કરી જેતે વ્યક્તિ સામે કાયદેસર ના પગલાં ભરશે કે કેમ?
વાપી થી આલમ શેખ..