
વાપી: ગત રાત્રે લગભગ 11 વાગ્યાના સમયે વાપી GIDC સેકંડ ફેઝમાં આવેલી R V Enterprises કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ મોટું આર્થિક નુકસાન પણ થયું નથી.

પરંતુ, આ આગ બુઝાવવા માટે વપરાયેલા પાણી અને કંપનીમાં રહેલા કેમિકલ્સ મિશ્રણ સીધું નાળામાં વહેવા દીધું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ બુઝાવ્યા બાદ જ્યારે વરસાદી નાળાને જોવામાં આવ્યો, તો તેમાં સફેદ રંગનું કેમિકલ જેવું દ્રવ્ય વહેતું જોવા મળ્યું. ભલે કંપની માટે આ ઘટના મોટી ન હતી, પરંતુ પર્યાવરણ માટે ખતરનાક સાબિત થઈ છે.

ઔદ્યોગિક વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવોના કારણે જળપ્રદૂષણની ઘટનાઓ સામે આવી છે, પરંતુ વહીવટીતંત્ર આ બાબતે ગંભીર નથી.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવી કંપનીઓ સામે સખત પગલાં ભરવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે. વહીવટીતંત્રએ તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો પર કાર્યવાહી કરવી જોઈએ, જેથી અન્ય ઉદ્યોગો માટે પણ એક કડક પાઠ બની શકે.
વાપી થી આલમ શેખ..