સંઘપ્રદેશ દમણના દરિયામાં પર્યટકો, સ્થાનિકો અને માછીમારોના જવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંઘ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ છેલ્લા ઘણા સમયથી દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો સહેલગાહે આવી રહ્યા છે. જ્યાં અમુક પર્યટકો જીવના જોખમે દરિયામાં નાહવા, તરવા તથા દરિયાના પાણીમાં સેલ્ફી લેતા હોય છે.
ત્યારે દરિયાના પ્રચંડ મોજાની ચપેટમાં આવતા કેટલાક લોકોના ડૂબીને મોત પણ નિપજવા પામ્યા છે. ત્યારે હાલ વરસાદની ઋતુ શરૂ થઈ હોય અને દરિયો જોખમી બની ગયો હોય ત્યારે આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ માટે દરિયાની અંદર જવું નુક્શાનકારક સાબિત થાય છે. માટે સુરક્ષાના ભાગરૂપે પર્યટકો, સ્થાનિક લોકો તથા મચ્છીમારી કરતા માછીમારો માટે દરિયાની અંદર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આદેશ 26 જૂન થી 31 ઓગસ્ટ-2024 સુધી લાગુ રહેશે. ત્યારે ઉપરોક્ત આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પ્રશાસન ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 અને અન્ય કલમ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ