વાપીમાં ગોદાલ નગર વિસ્તારમાં આવેલ સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત હોલ ખાતે શનિવારે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલા તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે વિશેષ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમીનારમાં નિષ્ણાંત શિક્ષણ વિદ્દોએ સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કયા કયા કોર્ષ કરી શકાય તેની માહિતી પૂરી પાડી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-19-at-12.17.33-PM-1024x576.jpeg)
સેમિનારમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એડમિશન કાઉન્સેલિંગના નિષ્ણાંત MA (ઉર્દુ અને ઇતિહાસ) તેમજ NEET અંગે મૌલાના અબ્દુલ અઝીઝે વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી આપી હતી. શિક્ષણવિદ્દ જાકીર સૈયદ, રફીક અહેમદ ખત્રી દ્વારા તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ પછી વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ કઈ ફેકલ્ટીમાં જવું જોઈએ ડિપ્લોમાં, ITI અને ડિગ્રી આઈ.ટી.આઈ જેવા કોર્ષ અંગે કઈ રીતે એડમિશન મેળવવું જોઈએ તે અંગે સંપૂર્ણ જાણકારી પ્રદાન કરી હતી. સેમિનારના આયોજક ફારુકભાઈ સોલંકી અને ઈન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ સેમિનાર અંગે તેઓએ ત્રણ જ દિવસમાં સહમતિ સાધી સેમીનારને સફળ બનાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી વલસાડમાં આ પ્રકારે સેમીનાર યોજાતો હોય છે. જેને ધ્યાને રાખીને વાપીના વિદ્યાર્થીઓ પણ ધોરણ 10 અને 12 પછી શિક્ષણવિદો પાસેથી ઉપયોગી માર્ગદર્શન મેળવી શકે. અભ્યાસમાં આગળ વધી શકે. દેશનું નામ રોશન કરી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે જ શિક્ષણ વિદ્દ પાસેથી ઉપયોગી માર્ગદર્શન લઈ અભ્યાસ ક્ષેત્રે તેમની ભવિષ્યની કેડી કંડારી શકે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કેરિયર ગાઈડન્સ સેમિનારમાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત અને જમિયતે ઉલેમા ટ્રસ્ટ વાપીના આગેવાનો તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ