-” બાર તૂટે ને તેર સંધાય ; ગટર લાઇન કરવા જતાં,ગેસની લાઇન તોડી આવ્યાં
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દિલીપ નગર વિસ્તારમાં ખોદકામની કામગીરી JCB વડે કરવામાં આવતી હતી. જે દરમ્યાન અચાનક JCBના પાવડા વડે ખોંદકામ કરતાં પાવડો ગેસ લાઈનમાં વાગી ગયો હતો.જેથી ગેસની પાઇપમાં ભંગાણ પડતા આગ ભભૂકી ઉઠી હતી.અચાનક આગ ભભૂકી ઉઠતા JCBનો ચાલક અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ દમણ ફાયર અને ગેસ કંપનીને ઘટનાની જાણ કરતા ગેસ લાઇન બંધ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં ખોદકામ કરી રહેલું જેસીબી પણ આગની ચપેટમાં આવી ગયું હતું.
સંઘપ્રદેશ દમણના દિલીપ નગરની ગલી નં. 1માં આજરોજ વિકાસના કામો ચાલી રહ્યા હતા. જે દરમ્યાન JCB વડે રસ્તો ખોદી ગટર માટે પાઇપ લાઇન નાંખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે બપોરના અરસામાં ચાલકે JCBના પાવડા વડે ખોદાયેલા રસ્તાની અંદર પાવડો જોરમાં લાગી જતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું. ગેસ લાઈનમાં ભંગાણ થતા અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોરથી અવાજ સાથે આગ ભભૂકી ઉઠતા JCBના ચાલકે આગ લાગતાંની સાથે જ સતર્કતા વાપરી JCBને નજીકમાં સુરક્ષિત સ્થળે ખસી ગયો હતો. જોત જોતામાં JCBનો પાછળનો ભાગ આગની ઝપેટમાં આવી જવા પામ્યો હતો.જો કે, જે સમયે આગ લાગવાનો બનાવ સર્જાયો હતો એ દરમ્યાન આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ આગને જોઇ થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતા.
ઘટનાને પગલે તુરંત દમણ ફાયરને અને ગેસ એજન્સી ને જાણ કરવામાં આવતા ગેસ એજન્સીની ટીમ ના ટેકનિકલ કર્મચારીઓ ઘટના સ્થળે આવી તુરંત ગેસ લાઈન ને બંધ કરવાની કામગીરી કરી હતી. જે બાદ ફાયર વિભાગની 2 ગાડી ફાયર ટીમ સાથે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઇ કામદારોને ઈજાઓ ન પહોંચતા મોટી ઘટના સર્જાતા રહી જવા પામી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ