
સંઘપ્રદેશ દમણમાં વસતા પારસી સમુદાયના લોકો દ્વારા જમશેદી નવરોઝ, એટલે કે પારસીઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાની દમણ પોલીસ મથકની પાછળ આવેલ અગિયારી ખાતે પારસી સમુદાયના લોકો ભેગા થયા હતા અને વિશેષ પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પારસી સમાજના વડા દસ્તુરની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના કરવામાં આવી, જેમાં સમુદાયના લોકો દ્વારા વર્ષ દરમિયાન હાંસલ થયેલ સફળતાઓ માટે ભગવાનનો આભાર માનવામાં આવ્યો. પ્રાર્થના બાદ અગિયારી ખાતે ઉપસ્થિત રહેલા પારસી સમાજના સભ્યોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી.
દમણ પારસી સમાજના અગ્રણીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. દમણ નગર પાલિકાના પ્રમુખ અસ્પીભાઈ દમણિયા પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા અને સમુદાય સાથે નવરોઝનો જશ્ન મનાવ્યો. ઉપરાંત, ઉદવાડા ખાતે આવેલા પારસીઓના મુખ્ય ધર્મસ્થાનના વડા દસ્તુર ખુરશેદજી પણ દમણ આવ્યા હતા અને સમુદાયને આશીર્વચન આપ્યા હતા.
આ શુભ અવસરે પારસી સમાજના લોકો વચ્ચે આનંદનો માહોલ છવાયો હતો. પારંપરિક વાનગીઓ, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સમગ્ર દમણમાં ઉત્સવનો રંગ જોવા મળ્યો હતો.
દમણ થી આલમ શેખ..