મહારાષ્ટ્રના પંઢરપુરમા મોટી અષાડી અગિયારસનું અતિ મહત્વ છે. આજના દિવસે પંઢરપુરમાં મહારાષ્ટ્રીયન અને અન્ય સમાજના લોકો લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી ભજન કીર્તન, ઢોલ નગારા સાથે ભગવાન વિઠ્ઠલ અને રુક્મણિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, સમગ્ર દેશમાં દરેક રાજ્યોમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મોટી અષાઢી અગિયારસનો પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા પણ મોટી અષાઢી એકાદશી નિમિતે ભવ્ય પગદંડી યાત્રા કાઢવામાં આવી હતી, આ પગદંડી યાત્રામાં વિઠ્ઠલ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
યાત્રામાં નાના બાળકોએ પણ ભગવાન વિઠોબા અને રુક્મણિ માતાનો વેશ ધારણ કરીને ભાગ લીધો હતો, દમણના મરાઠી સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે અષાઢી એકાદશીએ પગદંડી યાત્રા કાઢવામાં આવે છે, આજે દમણના ખારીવાડ ઝરીમરી માતા મંદિરેથી વાજતે ગાજતે નીકળેલી પગદંડી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દુણેઠા પહોંચી હતી, જ્યાં ભાજપ ઓબીસી મોરચાના મહામન્ત્રી ભરત પટેલ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભગવાન વિઠ્ઠલની પાલખી ઊંચકીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું, તેમજ યાત્રામાં સામેલ તમામ વિઠોબા ભક્તો માટે અલ્પાહારનું પણ આયોજન કર્યું હતું, જે બાદ આ દંડી યાત્રાનું ભીડભંજન મહાદેવ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભાવિક ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ