-પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી
વાપી GIDC વિસ્તારમાં આવેલ દમણગંગા પાઇપ એન્ડ સ્ટીલની બાજુમાં આવેલ ઝાડી ઝાખરીવાળી જગ્યાથી એક પુરુષનો અર્ધ સળગેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. અર્ધ સળગેલા મૃતદેહ અજાણ્યા 20 થી 25 વર્ષના પુરુષનો હોવાનું અનુમાન લગાવી GIDC પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગોપાલભાઈ નાનજીભાઈ કાછડીયા નામના વેપારીએ GIDC પોલીસને જાણકારી આપી હતી કે, વાપી જી.આઇ.ડી.સી. માં દમણગંગા પાઇપ એન્ડ સ્ટીલની બાજુમાં આવેલ ઝાડી ઝાખરીવાળી જગ્યામાં એક યુવકની સળગેલી લાશ પડી છે. મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 20 થી 25 શરીરે પાતળા બાંધાનો છે. જેણે શરીરે કાળા જેવા કલરનો મરૂન તથા સફેદ લાઇનીંગવાળો શર્ટ પહરેલ છે. શનિવારે જ 4થી મેં ના રોજ વહેલી સવારે 6:30 કલાક પહેલા હર કોઇ વખતે કોઇ અજાણ્યા ઇસમે અગમ્ય કારણસર તેનું મોત નીપજાવી લાશને સગે વગે કરવા સારૂ સળગાવી દીધી છે.
ઘટનાની જાણકારી મળતા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. પટેલ તેમજ DYSP બી. એન. દવે પોલીસ કાફલા સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક મળતી વિગતો મુજબ મૃતક ઇસમના મૃતદેહ નજીકથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. તેમજ આસપાસના CCTV ફૂટેજ ચેક કરવા સાથે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.અર્ધ સળગેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા વાપીમાં અજાણ્યા મૃતદેહોને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડતા સેવાભાવી ઇન્તેખાબ ખાન અને તેમની ટીમને જાણ કરતા તેઓ પણ તેમની એમ્બ્યુલન્સ લઈ સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં ઇન્તેખાબ ખાન અને તેમની ટીમના સભ્યોએ પોલીસ જવાનોની મદદથી મૃતદેહને એમ્બ્યુલન્સ માં નાખી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
હાલ આ મૃતદેહ કોનો છે. મૃતક વ્યક્તિનું નામ તેમનું રહેઠાણ વગેરે વિગતો મેળવવા તેમજ તેમની હત્યા કોણે ક્યાં સંજોગોમાં કરી છે તે દિશામાં GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર મયુર પટેલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ