દમણના મરવડ સ્થિત દમણ ઢાબા નામના ઢાબામાં અમરેલીના યુવાન અને મહારાષ્ટ્રના યુવાનો વચ્ચે થયેલ બબાલમાં ચાકુ મારી એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.આ ઘટનામાં હત્યા કરનાર અમરેલીના યુવાનની દમણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
અમરેલી જિલ્લાના ધારી ગામનો 35 વર્ષીય યુવાન પ્રદ્યુમનસિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે ખાણીપીણી કરવા અર્થે આવ્યો હતો.આ દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલા 6 જેટલા યુવાન મિત્રો ખાણી પીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા.આ દરમિયાન ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમન સિંહગોહિલ સાથે આવેલ મહિલાને ઈશારાથી છેડતી કરી રહ્યો હોય એવી શંકા પ્રદ્યુમનને થતાં તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો.નાની સરખી બોલાચાલી અચાનક મારામારીમાં પરિણમી હતી.પ્રદ્યુમનસિંહ ગોહિલે તેની પાસે રહેલા ધારદાર ચાકુ જેવું હથિયાર ધીરજ જાદવના ગળા પર ફેરવી રહેંસી નાંખતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.ઘટના બાદ ઢાબામાં અફરાતફરી મચી જવા ગઈ હતી. ઘટનાની જાણકારી કડૈયા પોલીસને કરવામાં આવી હતી.તેથી કડૈયા પોલિસે દમણ પોલિસને જાણ કરતાં આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.