ભાજપ દાનહ અને દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે દમણમાં એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી.કાર.મેડિકલ.કૉલેજમાં બનેલી જુનિયર મહિલા ડૉક્ટરની ક્રૂર અને અમાનવીય ઘટનાના (બળાત્કાર અને હત્યા) વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી.
આ વિક્ષોભ આંદોલનમાં દમણ જિલ્લાના મહિલા ડૉક્ટરો, મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ અને મહિલા મોરચાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.આ અવસર પર, રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલાએ પશ્ચિમ બંગાળમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કડક શબ્દોમાં વખોડી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના અસંવેદનશીલ વર્તનની નિંદા કરી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારના નિદ્રાધીન વલણને જગાડવા માટે ભાજપ મહિલા મોરચા દ્વારા દેશભરમાં પ્રતિકાત્મક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચો યોજી રહી છે.
આજે દમણમાં યોજાયેલી વિરોધ પદયાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, ભાજપ પ્રદેશ ડોક્ટર સેલના પ્રમુખ ડો. બીજલ કાપડિયા, પૂર્વ દમણ નગરપાલિકા પ્રમુખ સોનલબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી દીપાલીબેન શાહ સહિત અનેક અગ્રણીઓ અને બહેનો આ રેલીમાં જોડાયા હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ