વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ દમણ ખાતેથી બીએમડબલ્યુ (BMW) કારમાં ચોરીછૂપીથી લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. આ ઝુંબેશ દેશી અને વિદેશી દારૂના વેચાણને રોકવા માટે વલસાડ પોલીસ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીરસિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ની સુચનાથી શરૂ કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વાપી GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક બાતમીના આધારે CETP પ્લાન્ટ નજીક, નેશનલ હાઇવે નંબર 48 પર, મુંબઈથી સુરત જતી બ્લુ કલરની BMW X1 કાર (નંબર GJ-01-KJ-8215) અટકાવાઈ. તપાસ દરમિયાન કારમાં ક્લીનર સીટ અને ડીક્કીના ભાગમાંથી વિદેશી દારૂની 596 બોટલો (202.48 લિટર) મળી આવી. દારૂની કિંમત આશરે ₹76,400 છે. કારની કિંમત ₹5,00,000 તેમજ મોબાઇલ ફોનની કિંમત ₹5,500 મળી કુલ મુદામાલની કિંમત ₹5,81,900 છે.પોલીસે કારમાં સવાર ગણપત ઉર્ફે ગણેશ પટલારા અને કારના ક્લીનર અરુણભાઈ બાવાભાઈ કોળી પટેલને ધરપકડ કરી છે. વધુ તપાસ દરમ્યાન બિપીન પટેલ અને સંજુ નામના બે વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ અભિયાનમાં એલ.સી.બી. વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટની આગેવાનીમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ