થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નબીપૂર પોલીસ સ્ટેશનનાં પીઆઈ અને સ્ટાફની દાદાગીરી અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. પરંતુ ઉપલા અધિકારી દ્વારા સમયસર પગલાં ભરાયા નહીં. જેથી તેમની હિમંત ખુલી અને આવી પ્રવૃતિ યથાવત રાખી. પરીણામે પોલીસના ત્રાસથી કવિઠા ગામના એક યુવાને આત્મહત્યા કરી લીધી. મોતને વ્હાલુ કરતાં પહેલા તેણે મરણનોંધ લખી જેમાં પોલીસ અધિકારીઓના નામ લખ્યા અને મોત માટે તેમને જવાબદાર ઠેરવ્યા. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા મેદાને આવ્યા. કોંગ્રેસે પણ અવાજ ઉઠાવ્યો. આખરે યુવકને આપઘાત કરવા માટે પ્રેરણા આપનાર નબીપૂરના પોલીસ ઇન્સપેક્ટર પરમાર અને બે જમાદાર સામે ગુનો નોંધાયો.

ભરૂચ જિલ્લાના નબીપૂર પોલીસ મથક હદ વિસ્તારમાં એક યુવકે ગઈકાલે ધૂળેટીના દિવસે આપઘાત કરી લીધો હતો. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટથી ખળભળાટ મચી ગયો છે. તેણે અંતિમ નોંધમાં પોલીસ ઉપર આરોપ મુકતા લખ્યુ છે કે, ‘મારા પર આ લોકો ખોટા કેસ બતાવે છે. હું પહેલા દારૂ વેચતો હતો પણ મે ચાર મહિનાથી બધુ બંધ કરી દીધું છે. એક કેસ તો મે કબૂલ કરી લીધો છે, તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ખોટો ફસાવે છે. રાતના મારી છોકરીને અને મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયા હતા. રોજ ઘરે આવે છે. બધુ ચેક કરે છે. મારા ઘરનાઓને પણ અપશબ્દો બોલે છે. આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહીં કરૂ તો રૂપિયા માગે છે. ગામમાં મને રહેવા જેવો નથી રેવા દીધો, એટલે હું દવા પીને મારૂ જીવન ટૂંકાવું છું. મારા ગયા પછી મારા ઘરવારાને હેરાન ના કરે બસ આ મારી અરજી SP સાહેબ પાસે જઈને યોગ્ય પગલા લેવામાં આવે’

આ અંગે ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મનસુખ વસાવા સહિત વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સંદિપ માંગરોલા, સમશાદ સૈયદ, આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતાં. ટોળાએ પોલીસ અધિકારીઓ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ નબીપૂર પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એમ કે પીયેજા પરમાર તેમજ પોલીસ કર્મચારી એવા રાજેન્દ્રસિંહ અને સંદિપભાઈ વિરૂદ્વ આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મારી ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આ બનાવ ન બન્યો હોત – મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ
નબીપૂર પોલીસ સામાન્ય પ્રજા ઉપર ત્રાસ ગુજારે છે તે અંગે ભરૂચના સાંસદે એક મહિના પહેલા જ ફરીયાદ કરી હતી. હવે આ યુવકના મોત બાદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે, “નબીપૂર પોલીસ સ્ટેશના પીઆઈ મીસ્ટર પરમાર અને તેમના જમાદાર સ્ટાફે કવિઠા ગામના કિર્તનભાઈ વસાવાને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી, કિર્તનભાઈએ કહ્યુ કે, 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી. છતાં પણ કોઈને કોઈ રીતે એને મનાવવાના પ્રયત્ન કરે અને એટલું જ નહીં એની જુવાન દિકરીને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બે વાગ્યે બોલાવી હતી પોલીસ કોન્સ્ટેબલ વગર એને પણ રાત્રે ટોર્ચરીંગ કર્યુ અનેક પ્રકારે એને ધમકી આપી અને એવા શબ્દ બોલ્યા કે મારાથી કહી ન શકાય એવા પ્રકારે એ છોકરીને આ પીઆઈ પરમારે ટોર્ચરીંગ કર્યુ. આ પીઆઈ પરમાર એક મહિના પહેલા નબીપૂર પોલીસ સ્ટેશનમાં આવતુ ગામ નિકોરામાં અમારા ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેનના ઘરે એમની નાની બેનનું લગ્ન હતું. લગ્નનાં ત્રણ દિવસ બાકી હતાં છતાં પણ સામાન રફે દફે કરી નાંખ્યુ. તો કશુ કંઈ મળે નહીં. અને મને સમજાતુ નથી જેના ત્યાં પ્રસંગ છે.જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારે ખોટી રીતે ઘરમાં રેડ કરવાની, ટોર્ચરીંગ કરવાનું, માલસામાન રફે દફે કરવાનું મને સમજાતુ નથી. અંગારેશ્વર ગામના આદિવાસી મહિલા સરપંચના ઘરમાં પણ ઘુસી ગયો. આ વિચાર કરવા જેવું છે કે સરપંચોનાં ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસોને આ લોકો કેટલું હેરાન કરતાં હશે. ભરૂચ જિલ્લામાં રાજપારડી અને નબીપૂર પોલીસ સ્ટેશન આવા છે. આના માટે જે-તે સમયે જે ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું કે આની તાત્કાલીક બદલી કરી નાંખો ખરેખર જો તે વખતે બદલી કરવામાં આવી હોત તો કિર્તનભાઈને આ પ્રકારે સુસાઈડ કરવાનો સમય ન આવ્યો હોત. પણ પોલીસનાં ત્રાસ અને જુલમના કારણે અને પીઆઈનું એટલુ ખરાબ વર્તન છે કે, ગમે તેને નાના મોટા કેસમાં ઘમકાવાના અને પૈસા કઢાવવાનાં અને એની સાથેનાં ત્રણથી ચાર પોલીસવાળા છે એમનો બધાનો જ આ પ્રકારનુ છે.પોલીસ પોતાને પ્રજાનો મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર નહીં દુશમન છે. શત્રુ છે. આ પીઆઈ અને તેમની સાથેનાં કોન્સ્ટેબલ છે તેમની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ અને આ વિસ્તારની જનતાની પણ એવી માગણી છે કે, આને તાત્કાલીક અહીંયાથી હટાવી લઈ સસપેન્ડ અથવા તો ડીસમીસ કરી દેવા જોઈએ . અમે પરીવાર સાથે છીએ. પરીવાર દુ:ખી છે. એ પરિવારને અમે સાંત્વના આપવા માટે અહીંયા આવ્યા છે.”
જવાબદાર પોલીસ અધિકારીઓનો વરઘોડો કાઢવો જોઈએ – સંદિપ માંગરોલા
પોલીસના ત્રાસથી યુવકના મોતની ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસના આગેવાન સંદિપસિંહ માંગરોલાએ કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે, ” રાજ્યના ગૃહમંત્રી વરઘોડાના ખુબ આશીક છે. આશા રાખીએ પોલીસનો વરઘોડો ગૃહરાજ્યમંત્રી લઈને આખા ગુજરાતમાં લઈને નીકળે “