વેદોમાં લખાયું છે કે એક વૃક્ષનો ઉછેર કરવાથી 500 બ્રાહ્મણને જમાડવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહેલું કે મારી પૂજા નહીં કરો તો ચાલશે પણ વનસ્પતિ અને વૃક્ષોની કરવી.વૃક્ષ એ સંત છે જે નિશ્વાર્થ ભાવે લોકોનું કલ્યાણ કરે છે. અને તે સંપૂર્ણ જગતને પ્રાણવાયું પુરુ પાડે છે, ત્યારે તાજેતરમાં ગળતેશ્વર તાલુકાના પરબિયા ગામની સર્વોદય વિનય મંદિર હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ હાઇસ્કૂલના આચાર્ય એમ.કે.સેવકની પહેલથી પર્યાવરણમાં જાગૃતિ લાવવા માટે યોજવામાં આવ્યો હતો.
આચાર્ય એમ.કે.સેવકે જણાવ્યું હતું કે વર્તમાન સમયને ધ્યાને લઇ વાતાવરણ દિવસે ને દિવસે પ્રદુષિત થતું જાય છે. જે આપણા માટે ખુબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે,તો આવા સંજોગોમા દરેક વિદ્યાર્થીઓ જ નહીં પણ દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ બને તેવું પણ કહીએ તો કોઇ નવાઇની વાત નથી.જો આપણે વૃક્ષનું જતન કરીશું તો, વૃક્ષ પોતે કાર્બન ડાયોક્સાઇડ લઇને આપણને ઓક્સિજન પુરુ પાડશે. માટે આપણે માત્ર વૃક્ષ રોપીને જતાં રહેવાનું નહીં પણ તેનું યોગ્ય જતન પણ કરવાનું છે. જો આપણે રોપેલા છોડનો યોગ્ય ઉછેર થશે તો જ આપણું કાર્ય સાચી દિશામાં સાર્થક બન્યું તેમ કહેવાશે.આવી તમામ વાતોને ધ્યાને લઇને હાઈસ્કૂલના આચાર્ય એમ.કે.સેવકની પહેલથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓના સાથ સહકારથી હાઈસ્કૂલના પટાંગણમાં 500થી વધુ છોડ રોપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય, એ.આર.પટેલ, એ.પી .પટેલ, ધવલ સોલંકી , શીતલબેન, હંસાબેન, જાસ્મિંનબેન, જયેશભાઇ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીમિત્રો જોડાઇને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ